તાપી જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક યોજાઈ
તાપી જિલ્લામાં રોડ સેફ્ટીને લગતા ૨૫૩ કેસો દ્વારા રૂપિયા ૪,૮૩,૦૦૦ની વસુલાત કરવામાં આવી- સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એસ.કે. ગામીત
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.23: તાપી જિલ્લા માર્ગ સલામતિ સમિતિની બેઠક આજરોજ ઇંચા.અધિક નિવાસી કલેક્ટર અને વ્યારા પ્રાંત અધિકારીશ્રી સાગર મોવલીયાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી.
અધ્યક્ષસ્થાનેથી અધિક નિવાસી કલેક્ટરશ્રી અધિકારીશ્રી સાગર મોવલીયાએ તાપી જિલ્લામાં માર્ગ અકસ્માતો ઓછા થાય તે માટે આવશ્યક પગલા લેવા માર્ગદર્શન આપતા વિવિધ સુચનો કર્યા હતા. જેમાં નેશનલ હાઇવે ઉપર વિવિધ સ્થળોએ જરૂરી સાઇન બોર્ડ અને રેડિયમ લગાવવામાં આવે. હાઇવે ઉપર અકસ્માત ટાળવા નાગરિકોને ટુ વ્હિલર ઉપર હેમ્લેટ પેહરીને જ સવારી કરવા જાગૃત કરવામાં આવે તથા હાઇવે ઉપરના ઓવર સ્પીડમાં જતા મોટા વાહનોને સ્પીડ ગનની મદદથી સ્પીડ ટ્રેક કરી દંડ વસુલ કરવા સહિત વિવિધ રચનાત્મક સુચનો સંબંધિત અધિકારીઓને કર્યા હતા.
અંતે આગામી દિવસમાં કૃષિ મહોત્સવ યોજાનાર છે જેના સ્થળો રોડની આસપાસ હોવાથી ટ્રાફિકની સમસ્યા મહોત્સવ દરમિયાન ન થાય તેની તકેદારી રાખવા ઉમેર્યું હતું.
સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી એસ.કે.ગામીતે બેઠકમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં આર.ટી.ઓ અને પોલીસ વિભાગ દ્વારા ઓક્ટોબર-૨૩ માં રોડ સેફટી એન્ફોર્સમેન્ટના કુલ કેસ- ૨૫૩ અને કુલ રકમ રૂા.-૪,૮૩,૦૦૦ વસુલાત કરવામાં આવી છે. આ સાથે રોડ એન્જીનીંયરીંગને લગતા વિવિધ પ્રશ્નો અંગે તથા આગામી સમયમાં આરટીઓ અને શિક્ષણ વિભાગ દ્વારા યોજાનાર વિવિધ કેમ્પ અંગે જાણકારી આપી હતી.
માર્ગ અને સલામતિ સમિતિની આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.એમ.જાડેજા, શિક્ષણાધિકારી ધારાબેન પટેલ, સોનગઢ નગરપાલીકા ચીફ ઓફિસર ધર્મેશ ગોહિલ સહિત રોડ સેફ્ટી કમીટીના સભ્યો ઉપસ્થિત રહી તાપી જિલ્લામાં અકસ્માત નિવારવા વિવિધ સૂચનો કર્યા હતા.
૦૦૦૦