કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા ખાતે હળદર અને મરી પાકની વૈજ્ઞાનિક ખેતી તથા મૂલ્યવર્ધન વિષય ઉપર પાક પરિસંવાદ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર દ્વારા તા. ૦૭/૧૧/૨૦૨૩ ના રોજ નોડલ ઓફિસર (મેગાસીડ), ન.કૃ.યુ., નવસારીના સંયુક્ત ઉપક્રમે હળદર અને મરી પાકની વૈજ્ઞાનિક ખેતી તથા મુલ્યવર્ધન વિષય ઉપર પાક પરિસંવાદનુ આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં તાપી જિલ્લાનાં કુલ ૯૧ ખેડૂત ભાઇ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમનાં અધ્યક્ષ અને કેવિકે, તાપીના વડા ડૉ. સી. ડી. પંડ્યાએ ઉપસ્થિત મહેમાનો અને ખેડૂત ભાઇ બહેનોનું સ્વાગત કરી તાપી જિલ્લામાં હળદર અને મરી મસાલાના પાકોની ખેતીની તકો વિષે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ આ બાગાયતી પાકોનું મૂલ્યવર્ધન કરી ખેડૂતો સારા ભાવ મેળવી શકે છે તેમ જણાવ્યું હતુ.
ડૉ. પી. પી. ભાલેરાવ, મદદનીશ પ્રાધ્યાપક, અસ્પી બાગાયત કોલેજ, ન.કૃ.યુ., નવસારીએ ખેડૂતોને હળદર અને મરી પાકની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતી વિશે માહિતગાર કર્યા હતા. ડૉ. એચ. પી. પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, મેગાસીડ, ન.કૃ.યુ., નવસારીએ હળદર અને મરી પાકમાં સંકલિત રોગ નિયંત્રણ તેમજ હળદર અને મરી પાકમાં મૂલ્યવર્ધન વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ડૉ. એન. કે. કવાડ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, મેગાસીડ, ન.કૃ.યુ., નવસારીએ હળદર અને મરી પાકમાં સંકલિત જીવાત નિયંત્રણ વિશે ખેડૂતોને માહિતી આપી હતી. ડૉ. ધર્મિષ્ઠા ડી. પટેલ, બાગાયત અધિકારીએ હળદર અને મરી પાક વિષયક યોજનાકીય માહિતી વિશે ખેડૂતોને માહિતગાર કર્યા હતા.
કાર્યક્રમનાં અંતે ખેડૂતોને મુંજવતા પ્રશ્નોનું ઉપસ્થિત નિષ્ણાંતો દ્વારા સફળતા પૂર્વક નિરાકરણ કરવામાં આવ્યું હતું. જ્યારે આભારવિધિ અને સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત) દ્વારા કરવામાં આવ્યુ હતુ.