ડાંગ જિલ્લામા તા.૨૭ મી ઓક્ટોબરથી ૯ ડિસેમ્બર સુધી મતદાર યાદીમા સુધારો કરી શકાશે
ગિરિમથક સાપુતારા ખાતે પણ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની પ્રસિદ્ધિ કરાઈ
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: 27 : ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટા સાથેની ‘મતદાર યાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ’ ની કરાયેલી જાહેરાત સાથે, તેનો વ્યાપક પ્રચાર પ્રસાર થાય તે માટે, ડાંગ જિલ્લાના ચૂંટણી તંત્રે વિશેષ આયોજન સાથે શ્રેણીબદ્ધ કાર્યક્રમો આયોજિત કર્યા છે.
આ કાર્યક્રમ અનુસાર તા.૧/૧/૨૦૨૪ની લાયકાતની તારીખના સંદર્ભમા ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત, લાયકાત ધરાવતા ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમર થતી હોય તેવા યુવા મતદારો, તા.૨૭/૧૦/૨૦૨૩ થી ૯/૧૨/૨૦૨૩ સુધી મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવી શકશે. આ કાર્યક્રમમાં નવા નામ નોંધાવવા સાથે ચૂંટણી કાર્ડમાં જરૂરી સુધારા વધારા કરવા માટે પણ અરજી કરી શકાશે.
મતદાર યાદી સુધારણા અંગેની ખાસ ઝુંબેશની તારીખો ૪/૧૧/૨૦૨૩ (શનિવાર), તા.૫/૧૧/૨૦૨૩ (રવિવાર), તા.૨/૧૨/૨૦૨૩ (શનિવાર), અને તા.૩/૧૨/૨૦૨૩ (રવિવાર) જાહેર કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં CRPFની મહિલા બાઈકર્સ ટીમ “યશસ્વિની” દ્વારા આયોજિત બાઈક રેલીની કુલ-૩ ટીમો પૈકી ૨ ટીમની મહિલા બાઇકર્સ, કે જે કન્યાકુમારીથી સાપુતારા થઇ તા.૩૧/૧૦/૨૦૨૩ ના રોજ કેવડીયા, જિ.નર્મદા સુધી જઇ રહી છે. તેમના સ્વાગત માટે ગત તા.૨૫/૧૦/૨૦૨૩ના રોજ સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજીત એક જાહેર કાર્યક્રમમા ડાંગના પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ, તથા મામલતદાર કચેરીનો સ્ટાફે ખાસ હાજર રહીને, ભારતના ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેરમાં પ્રદર્શિત કરી, લોકચેતના જગાવી હતી.
–