અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન અને એલ.એન્ડ ટી. દ્વારા ઓલપાડનાં શિક્ષકો માટે ઈનોવેટીવ કોન્ટેસ્ટ યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશન અને એલ.એન્ડ ટી.નાં સહયોગથી ચાલતા ડિજિટલ ઈક્વીલાઈઝર પ્રોગ્રામ હેઠળની ઓલપાડ તાલુકાની 18 જેટલી પ્રાથમિક શાળાઓનાં ગણિત-વિજ્ઞાનનાં શિક્ષકો માટે બે દિવસીય તાલીમનું આયોજન અડાજણ, સુરત ખાતે કરવામાં આવ્યું હતું. તાલીમ વગમાં ઉપસ્થિત ઓલપાડ તાલુકાનાં બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમનો વિકાસ થાય એ ખૂબ જરૂરી છે. જેને પરિણામલક્ષી બનાવવા માટે ગણિત-વિજ્ઞાનનાં શિક્ષકોની ભૂમિકા વિશેષ છે.
તાલીમનાં અંતિમ દિવસે સહભાગી શિક્ષકો માટે ઈનોવેટીવ કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નિર્ણાયક તરીકે બીઆરસી કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ, એઆઈએફનાં પ્રોજેક્ટ લીડ શુભ્રા અગ્નિહોત્રી, ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર ભૂમિકા ઠાકોરે ભૂમિકા ભજવી હતી. આ કોન્ટેસ્ટનાં અંતે પ્રથમ ક્રમે અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં પ્રફુલ્લા બાંભણિયા (રેઈન સેન્સર), દ્વિતીય ક્રમે નગર પ્રાથમિક શાળા ક્રમાંક 246 નાં સ્મિતા ગામીત (ઈલેકટ્રો પઝલ) જ્યારે તૃતિય ક્રમે અસનાડ પ્રાથમિક શાળાનાં મેહુલ પટેલ (સ્પીડ કાર) વિજેતા બન્યા હતાં. વિજેતાઓને ટ્રોફી તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.