તાપી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક કૃષિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધે તેવા આયોજન જરૂરી છે.- કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ,તા.૨૩ તાપીમાં જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહની ઉપસ્થિતીમાં પ્રાકૃતિક કૃષિ અંગેની સમિક્ષા બેઠક યોજાઇ હતી.
કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગે અધ્યક્ષસ્થાનેથી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર વધે તેવા આયોજન જરૂરી છે. તેમણે તમામ માસ્ટર ટ્રેનરોને ખેડુતોને આ બાબતે જાગૃત કરવા અને પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરવા સઘન ઝુંબેશ ઉપાડવા સુચનો કર્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે સંબંધિત અધિકારીઓને પ્રાકૃતિક ખેતીની તાલિમમાં વધુમાં વધુ ખેડૂતોને જોડવા અને પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે અવગત કરવા માર્ગદર્શન આપ્યું હતું.
નોંધનિય છે કે, આત્મા પ્રોજેક્ટ અંતર્ગત તાપી જિલ્લામાં કુલ-૨૭૭૯૨ ખેડૂતો પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી ચુક્યા છે. આ સાથે જિલ્લાની ૯૩ જેટલી ગ્રામ પંચાયતોમાં ૭૫ કરતા વધારે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. જેની પ્રોડક્ટસના વેચાણ માટે સમગ્ર જિલ્લાના ૨૮ જેટલી જગ્યાઓ નાના મોટા હાટબજારો ખાતે વેચાણ કેન્દ્રની વ્યવસ્થા જિલ્લા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.
આ બેઠકમાં આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રી અલ્કેશ પટેલ દ્વારા તાપી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ચેતન ગરાસિયા, નાયબ બાગાયત નિયામકશ્રી તુષાર ગામીત, ડિસ્ટ્રીક્ટ લીડ બેંક મેનેજર રસિકભાઈ જેઠવા, ખેડૂત તાલીમ કેન્દ્રના અધિકારીશ્રી સહિત આત્મા પ્રોજેક્ટના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
000