તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી
તાપી જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં સૌ વિભાગોને કચેરીની સાફસફાઇ કરવા, ફાઇલોનું વર્ગીકરણ કરવા અને જિલ્લામાં સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનાવવા અનુરોધ કરતા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.23: તાપી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિવિધ બાબતોની સમિક્ષા કરતા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગે ગેરકાયદેસર બાંધકામોએ નોટીસ આપી દુર કરાવવા, તાપી જિલ્લાના નિવૃત થતા કર્મચારીઓના કાગળો એક વર્ષ પહેલા જ તૈયાર કરવા અને ૧૫ વર્ષ જુના વાહનો સ્ક્રેપમાં મોકલવા જણાવ્યું હતું. આ સાથે સંકલનના ભાગ-૧માં સાંસદશ્રી પ્રભુભાઇ વસાવા દ્વારા રજુ કરવામાં આવેલ વિવિધ પ્રશ્નોના નિયત સમયમાં યોગ્ય જવાબ કરવા સુચનો કર્યા હતા. અંતે સમગ્ર ગુજરાત સહિત તાપી જિલ્લામાં ૨ મહિના ચાલનાર ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં સૌ વિભાગો પોતાની કચેરીની સાફસફાઇ કરે, ફાઇલોનું વર્ગીકરણ કરે અને તાપી જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન દ્વારા તાપી જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમો અંગે સૌને અવગત કર્યા હતા. આ સાથે સૌ વિભાગોને સ્વચ્છતાના કામમાં સહભાગી થવા તથા કચેરી સહિત વિવિધ સ્થળોએ સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી.
તાજેતરમાં તાપી જિલ્લા કલેકટરશ્રી ડો.વિપીન ગર્ગના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં તાપી જિલ્લા સંકલન સમિતીની બેઠક યોજાઇ હતી. જેમાં નાગરિક ખરડા, એ.જી.ઓડીટ પેરા, પડતર કાગળો, ખાતાકિય તપાસ, ગુજરાત તકેદારી આયોગ તરફથી મળેલા પ્રશ્નો, સાંસદશ્રી/ધારાસભ્યશ્રીઓના રેફરન્સ પ્રશ્નો તથા ગત બેઠકમાં રજુ થયેલા પ્રશ્નોનો એક્શન ટેકન રીપોર્ટ સહિત વિવિધ મુદ્દાઓની સમિક્ષા કરવામાં આવી હતી.
તાપી જિલ્લા સંકલન સમિતીની બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, પ્રાયોજના વહિવટદારશ્રી રામનિવાસ, નાયબ વનસંરક્ષકશ્રી પુનિત નૈયર, વ્યારા પ્રાંતશ્રી સાગર મોવાલીયા, સહિત સંકલન સમિતીના વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
000