સી.આર.સી. કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં નવરાત્રીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન કરંજ, પારડી ઝાંખરી, મંદરોઇ, નઘોઇ, જીણોદ, કમરોલી, મીંઢી, મોર તથા મીરજાપોર ગામની પ્રાથમિક શાળાઓમાં નવરાત્રી મહોત્સવની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાઓમાં પરંપરાગત રીતે માતાજીની આરતી ઉતારીને ગરબાની શરૂઆત કરવામાં આવી હતી. શાળાનાં બાળકો, શિક્ષક ભાઇ-બહેનો સહિત એસ.એમ.સી. સભ્યો તેમજ વાલીજનો પણ મન મૂકીને ગરબે ઘુમ્યા હતાં. કેટલીક શાળાઓમાં બાળકોએ ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરીને ગરબામાં આકર્ષણ જમાવ્યું હતું. શાળાઓનું વાતાવરણ માં અંબેની આરાધનાથી ભક્તિમય બન્યું હતું.
તમામ શાળાઓમાં શિક્ષકગણ દ્વારા બાળકોને આ જગપ્રસિધ્ધ મહાપર્વની અવનવી વાતો પિરસવામાં આવી હતી. કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તથા કેન્દ્વાચાર્યા જાગૃતિ પટેલે સૌને નવરાત્રીની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.