ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ‘ડાકણ પ્રથા’ નાબૂદી અંગેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો
‘ડાકણ પ્રથા’ને જિલ્લામાંથી તિલાંજલિ આપવા ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા :
–
‘ડાકણ પ્રથા’નો ભોગ બનનાર મહિલાઓને સ્વમાનભેર જીવવા માટે પોલીસે પ્રોત્સાહિત કરી :
–
સાર્વજનિક નવરાત્રી મહોત્સવ દરમ્યાન ડાંગ જિલ્લા પોલીસ દ્વારા શ્રેણીબદ્ધ જનજાગૃતિ કાર્યક્રમોનુ કરાયુ આયોજન :
–
(અર્જુન જાધવ દ્વારા, વધઈ): આહવા: તા: 20: આદ્યશક્તિ જગતજનની માં અંબાના પવિત્ર પર્વ નવરાત્રિ નિમિત્તે, આહવા ખાતે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા સાર્વજનિક નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામા આવ્યું છે.
આ નવરાત્રી મહોત્સવમા ડાંગ પોલીસ દ્વારા જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ કરવામા આવી રહ્યા છે.
તા. 19 ઓક્ટોબરના રોજ ડાંગ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ‘‘સુરક્ષા સેતુ સોસાયટી” અંતર્ગત સામાજીક જાગૃતિના ભાગરૂપે “ડાકણ પ્રથા” નાબુદી કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
ડાંગ જિલ્લામા વર્ષોથી કેટલીક કુપ્રથાઓ ચાલી આવી છે. એવી જ એક કુપ્રથા, જેમા કોઇ પણ મહિલાને કોઇક આર્થિક, સામાજીક કે, બિમારીના કારણ માટે જવાબદાર ઠેરવી, તેણીને “ડાકણ” જાહેર કરી, તે મહિલાને પ્રતાડિત કરવામા આવે છે. કેટલાક કિસ્સાઓમાં તો મહિલાઓને શારિરીક હાનિ પણ પહોચાડવામાં આવે છે, તો ક્યારેક તેણીના મૃત્યુના કિસ્સાઓ પણ નોંધાવા પામ્યા છે.
ઘણી વખત સ્ત્રીને એટલી હદે પ્રતાડિત કરવામાં આવે છે કે, તેનાથી કેટલીક સ્ત્રી પોતે જ આત્મહત્યા કરવા સુધીનુ પગલુ લઇ જીવનનો અંત આણે છે.
ડાંગ જિલ્લાના સમાજમા ચાલી આવતી આ પ્રથાને બંધ કરવા માટે, તેમજ લોકોમા જાગૃતિ લાવવા માટે પોલીસ દ્વારા, જિલ્લામા ‘ડાકણ પ્રથા’નો ભોગ બનનાર મહિલાઓને જિલ્લા પોલીસ દ્વારા જાહેર મંચ ઉપર ઉપસ્થિત મહેમાનો દ્વારા તેઓ સન્માનભેર જીવન જીવી શકે તે માટે પ્રોત્સાહિત કરવામા આવી હતી.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાએ જણાવ્યુ હતુ કે, જિલ્લામા ‘ડાકણ પ્રથા’ મોટા પાયે જોવા મળે છે. ત્યારે આ કુપ્રથાને તિલાંજલિ આપવા માટે ડાંગ પોલીસ દ્વારા શ્રેણીબદ્ધ જનજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામા આવ્યા છે.
મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા પણ ‘ડાકણ પ્રથા’ને દેશવટો આપવાની અપીલ કરવામા આવી હતી. ઉપરાંત તમામ લોકો દ્વારા ‘ડાકણ પ્રથા’ નાબુદ કરવા માટે પ્રતિજ્ઞા પણ લેવામા આવી હતી.
આહવા પોલીસ હેડ ક્વાટર ખાતે યોજાયેલ આ કાર્યક્રમમા જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, અધિક નિવાસી કલેક્ટર શ્રી એસ.બી.તબિયાર, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુનિલ પાટીલ, જિલ્લા સદસ્ય તેમજ માજી ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, વઘઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, આહવા તાલુકા પંચાયત સદસ્ય શ્રી દેવરામભાઇ જાદવ, વાસુર્ણા સ્ટેટ રાજવી શ્રી ધનરાજસિંહ સુર્યવંશી, ભાજપ મહામંત્રી શ્રી હરીરામભાઇ સાંવત તેમજ પોલીસ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામા સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.
–