ઓલપાડની નઘોઇ પ્રાથમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત નિબંધલેખન સ્પર્ધા યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ભારત વર્ષોથી વન્યજીવોને પૂજનીય ગણતો આવ્યો છે. પેઢી દર પેઢીમાં વન્ય પ્રાણીઓ પ્રત્યે આદર અને સન્માન જળવાય એવાં શુભ હેતુસર ઓકટોબરમાં વન્ય પ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે. જે અંતર્ગત ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત નઘોઇ પ્રાથમિક શાળામાં વન વિભાગ દ્વારા નિબંધલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ જાળવણી, વૃક્ષોની ઉપયોગીતા અને મનગમતું પ્રાણી એ વિષય ઉપર યોજાયેલ આ નિબંધ લેખન સ્પર્ધામાં શાળાનાં બાળકોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેનું પરિણામ નીચે મુજબ છે. પ્રથમ: પ્રિયાંશી ગિરીશભાઈ મૈસુરિયા, દ્વિતીય: રોનક અજયભાઈ રાઠોડ અને તૃતિય: વિનય વિજયભાઈ વસાવા
આ પ્રસંગે ઉપસ્થિત વન વિભાગનાં અધિકારી આશાબેન આર. પટેલ તથા દીપિકાબેન પી. પરમારે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનો મુખ્ય હેતુ પ્રાણીસૃષ્ટિનાં સંરક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન આપવાનો છે. ખોરાક કે અન્ય હેતુઓ માટે પ્રાણીઓની હત્યા અટકાવીને તેમને બચાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય લુપ્તપ્રાય અને જોખમમાં મુકાયેલી પ્રજાતિઓનાં પ્રાણીઓનાં જીવનને સુરક્ષિત કરવા સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ છે.
સ્પર્ધામાં વિજેતા બાળકોને ટ્રોફી તથા આકર્ષક સ્મૃતિભેટ વન વિભાગ તરફથી અર્પણ કરવામાં આવ્યા હતાં. વિજેતા બાળકોને કેન્દ્રાચાર્યા જાગૃતિ પટેલ તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે હાર્દિક શુભેચ્છા પાઠવી હતી. શાળાનાં મુખ્યશિક્ષિકા હેતલ પટેલે અંતમાં વન વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો.