જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ ખાતે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો
ડાંગ જિલ્લાના છેવાડાની શાળા સુધી શિક્ષણની ઉજાશ પથરાઈ છે – વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ
–
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: 18: ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વઘઈ ખાતે વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈનની અધ્યક્ષતામા નવમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજવામા આવ્યો હતો.
વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે આ પ્રંસગે જણાવ્યુ હતુ કે, ભવિષ્ય નિર્માણની જવાબદારી નિભાવનારા શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓમા વાંચન, લેખન અને ગણન પ્રક્રિયા સરળ બનાવવા માટે નવતર પ્રયોગો કરી, ડાંગ જિલ્લાની શિક્ષણની ગુણવત્તામા વધારો કરાયો છે. આજે ડાંગ જિલ્લાના છેવાડાની શાળા સુધી શિક્ષણની ઉજાશ પથરાઈ છે.
શ્રી વિજયભાઇ પટેલે શિક્ષકો દ્વારા નવતર પ્રયોગો દ્વારા અનુભવજન્ય શિક્ષણની સરાહના કરી હતી.
શિક્ષણ જગતમા નવતર પ્રયોગો થકી ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા બદલ ડાંગ જિલ્લા પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈન, તેમજ વઘઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિતે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
શિક્ષકો દ્વારા નવતર પ્રયોગો થકી જ શાળાઓની ગુણવત્તામા વધારો થઇ શકે છે, તેમ જિ.સી.આર.ટી ગાંધીનગરના શ્રી સંજયભાઇ ત્રિવેદીએ જણાવ્યુ હતુ.
વઘઇ ડાયટના પ્રાચાર્યશ્રી ડો.બી.એમ.રાઉતે કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે, હાલના ટેક્નોલોજીના યુગમા શિક્ષણમા આમુલ પરિવર્તન જોવા મળે છે. વિકાસશીલ અને સમૃધ્ધ સમાજમા શિક્ષણમા પરિવર્તન જરૂરી છે, અને હાલમા શાળાના શિક્ષકો દ્વારા અનેક પધ્ધતિઓ પ્રયુકિતનો શિક્ષણમા ઉપયોગ કરી નવતર પ્રવૃતિઓ કરવામા આવી રહી છે. તેમજ શિક્ષકો દ્વારા નવતર પ્રવૃતિઓ કરવા બદલ શ્રી બી.એમ.રાઉતે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
વઘઇ ખાતે યોજાયેલ નવમા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમા ડાંગ જિલ્લાના વિવિધ શાળાના શિક્ષકો દ્વારા નવતર પ્રવૃતિઓની કૃતિઓ રજુ કરવામા આવી હતી.
એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમા વઘઇ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ શ્રી પાઉલભાઇ ગામિત, ડાંગ ભાજપ પાર્ટી પ્રમુખ શ્રી કિશોરભાઇ ગાવિત, ભાજપ મહામંત્રી શ્રી હરિરામભાઇ સાંવત, સામાજિક કાર્યકર શ્રી સુભાષભાઇ ગાઇન, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી વિજયભાઇ દેશમુખ, બી.આર.સી./સી.આર.સી, શિક્ષક સંઘના પ્રમુખશ્રીઓ, હોદ્દેદારો તેમજ શિક્ષકો અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
–