સ્વચ્છતા હી સેવા અભિયાનમાં વ્યારા તાલુકાના જાગૃત નાગરિકોનું શ્રમદાન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.15: સમગ્ર રાજ્ય સાથે તાપી જિલ્લામાં પણ ‘સ્વચ્છતાના હી સેવા’ અભિયાન અંતર્ગત સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તાજેતરમાં તાપી જિલ્લાના વ્યારા આમણીયા ગામે દુધ ડેરીની આસપાસ,ખાનપુર બસ સ્ટેન્ડની આસપાસ તથા વાઘપાણી ગામે પંચાયત ઘરની આસપાસ સાફ સફાઈની કામગીરી ગ્રામજનો સાથે શ્રમદાનરૂપે કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. ત્યારે સામુહિક સાફસફાઇના કામોમાં વ્યારા તાલુકાના વિવિધ ગામોના જાગૃત નાગરિકો દ્વારા શ્રમદાન રૂપે પોતાના ગામની સફાઇમાં સહકાર આપવામાં આવ્યો હતો. જેના થકી સમગ્ર જિલ્લા સહિત વ્યારા તાલુકામાં આ અભિયાન ઝુંબેશ સ્વરૂપે પૂરજોશમાં ચાલી રહ્યું છે.
નોંધનિય છે કે, સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત દેશના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૫ સપ્ટેમ્બરથી શરૂ કરેલ અભિયાનને બહોળા પ્રમાણમાં પ્રતિસાદ મળ્યો હતો, જેના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન ‘નિર્મળ ગુજરાત’ને સાર્થક કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આગામી 2 મહિના અભિયાનને લંબાવતા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો આજથી પ્રારંભ થયો છે.
૦૦૦૦