સંકલ્પ સપ્તાહ અંતર્ગત ખેતવાડી વિભાગ તાપી દ્વારા નિઝર અને કુકરમુંડા તાલુકામાં આંતરરાષ્ટ્રીય પોષણ અનાજ વર્ષ 2023 કાર્યક્રમ યોજાયો
જુવાર ખેતી અને પાક સંરક્ષણ અંગે ખાસ સેમિનાર યોજાયો
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૯: તાપી જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં સંકલ્પ સપ્તાહ અંતર્ગત તા.૦૩ ઓક્ટોબરથી વિવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે. જે અન્વયે આજે તા.૦૯ ઓક્ટોબર સંકલ્પ સપ્તાહના છેલ્લા દિવસે ખેતીવાડી વિભાગ તાપી દ્વારા નિઝર તાલુકાના એ. પી. એમ. સી. માર્કેટ યાર્ડ ખાતે પ્રાંત અધિકારીશ્રી જયકુમાર રાવલના અધ્યક્ષ સ્થાને ‘સંકલ્પ સપ્તાહ’ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જુવાર સંશોધન કેન્દ્ર સુરતના વૈજ્ઞાનિક ડૉ. અશ્વિન પટેલે નિઝરને જુવારનો કિંગ તરીકે વર્ણવી ઉપસ્થિત સૌ ખેડૂતોને આના માટે પ્રેરક ગણાવ્યા હતા. તેમણે જુવારમાં રહેલાં અનેક પોષક તત્વો અને વિગતવાર માહિતી આપી હતી. તેમણે જુવારમાં રહેલા એન્ટિબાયોટીક જેવા ગુણો ડાયાબિટીસ જેવા રોગોમાં ખુબ ફાયદાકારક છે એમ સમજ કેળવી હતી.
કાર્યક્રમમાં હલકા ધાન્યમાં પાક સંરક્ષણ અંગે લેક્ચર આપતાં કેવીકે તાપીના વૈજ્ઞાનિક કુલદીપ સિંહ રાણાએ જણાવ્યું હતું કે, યુરિયાનો ઉપયોગ વધવાના કારણે જમીનને ખુબ નુકશાન થયું છે. તેમણે સંકલિત ખેતી અને પ્રાકૃતિક ખેતી આપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે પાકની ફેરબદલી કરવા અને જમીનની તંદુરસ્તી જાળવવા ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું. એકનાએક પાકો લેવાના કારણે જમીનનું બેલેન્સ બગાયું છે એમ પણ સમજ કેળવી હતી. તેમણે લાઈટ ટ્રેપ, યલ્લો સ્ટીકી ટેપ, અને પ્રાકૃતિક ખેતીની દશપરણી, બ્રાહ્મહાસત્ર, નિમાસ્ત્ર જેવી દવાઓનો ઉપયોગ કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત સંકલ્પ સપ્તાહ કાર્યક્રમમાં વિભાગીય લેક્ચર ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગ, શિક્ષણ વિભાગ, આઇસીડીએસ, મનરેગા અને સ્વચ્છ ભારત મીશનની વિવિધ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી.
કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન, કિટ વિતરણ તથા વિવિધ ક્ષેત્રે સારી કામગીરી બદલ પ્રમાણપત્ર આપી કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સાથે ઉપસ્થિત મહાનુભાવો અને ખેડૂત મિત્રોએ વિવિધ પ્રદર્શન સ્ટોલની મુલાકાત લઈ વધુ માહિતી મેળવી હતી.
નોંધનિય છે કે, નીતિ આયોગ દ્વારા અલ્પ વિકસિત તાલુકાઓના વિકાસ માટે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાંથી ૫૦૦ તાલુકાઓ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્યના ૧૦ જિલ્લાઓમાંથી 13 તાલુકાઓ પસંદ થયા છે. જે અંતર્ગત તાપી જિલ્લાનો નિઝર અને કુકરમુંડા તાલુકાનો પણ એસ્પિરેશનલ બ્લોકસમાં સમાવેશ થાય છે. એસ્પિરેશનલ બ્લોકસ પ્રોગ્રામ અંતર્ગત નીતિ આયોગ દ્વારા તા. ૩ થી ૯ ઓક્ટોબર દરમિયાન સંકલ્પ સપ્તાહ ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જે અંતર્ગત તા. 3 ઓક્ટોબરના રોજ “સંપૂર્ણ સ્વાસ્થ્ય એક સંકલ્પ”, તા. ૪ ઓક્ટોબરના રોજ “સુપોષિત પરિવાર”, તા. ૫ ઓક્ટોબરના રોજ “સ્વચ્છતા એક સંકલ્પ”, તા. ૬ ઓક્ટોબરના રોજ “કૃષિ મહોત્સવ”, તા. ૭ ઓક્ટોબરના રોજ “શિક્ષા એક સંકલ્પ”, તા. ૮ ઓક્ટોબરના રોજ “સમૃદ્ધિ દિવસ” અને તા. ૯ ઓક્ટોબરના રોજ “સંકલ્પ સપ્તાહ સંમેલન”નું આયોજન નીતિ આયોગ દ્વ્રારા નક્કી કરેલ તમામ એસ્પિરેશનલ બ્લોક ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાન, સરપંચશ્રીઓ, તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સહિત વિવિધ પદાધિકારીઓ અને ખેડૂતમિત્રો જોડાયા હતા.
૦૦૦૦