સી.આર.સી. કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ઉજવાયો
સર્વધર્મ પ્રાર્થના તથા પુષ્પગુચ્છ દ્વારા બાપુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ભારતને આઝાદી તરફ દોરી જવામાં મદદ કરનાર મહાત્મા ગાંધી વિશ્વભરમાં નાગરિક અધિકાર અને સામાજિક પરિવર્તન માટે અહિંસક આંદોલન માટે પ્રેરણારૂપ છે. તેમનાં સમગ્ર જીવન દરમિયાન દમનકારી પરિસ્થિતિઓમાં અને મોટેભાગે અનિર્ણનીય પડકારોનો સામનો કરીને પણ ગાંધીજી અહિંસા પ્રત્યેની તેમની માન્યતા માટે કટિબદ્ધ રહ્યાં જે વાત જગજાહેર છે, જે હકીકતને સમગ્ર વિશ્વએ સ્વીકાર કરી 2 ઓક્ટોબર ગાંધીજીનો જન્મદિવસ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું.
આ વિશેષ દિવસની ઉજવણી તથા પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનાં ભાગરૂપે ઓલપાડની ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં ગાંધી વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલ તથા કેન્દ્રાચાર્યા જાગૃતિ પટેલે બાળકોને સંયુકત સંદેશ પાઠવ્યો હતો કે માણસે પરસ્પર અહિંસાનો ભાવ રાખવો રાખવો જોઈએ. પૃથ્વી પરનાં અન્ય સજીવો પ્રત્યે પણ અહિંસાનો ભાવ રાખીને જ વર્તન કરવું જોઈએ. જેટલો અધિકાર માણસનો પૃથ્વી પર જીવવાનો છે તેટલો જ અન્ય જીવસૃષ્ટિનો પણ છે. આ વિશેષ દિન નિમિત્તે દરેક શાળાઓમાં નિબંધ, ચિત્ર, વક્તૃત્વ તથા રંગોળી જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રારંભે સર્વધર્મ પ્રાર્થના તથા પુષ્પાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંતમાં દરેક પ્રાથમિક શાળાઓનાં શિક્ષકો તથા બાળકોએ સ્વચ્છતા વિષયક શપથ લીધા હતાં.