જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની લડત સંદર્ભે સુરત જિલ્લાનાં શિક્ષકો દિલ્હી જવા રવાના
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જૂની પેન્શન યોજના, ફિક્સ પગાર નાબુદી ઉપરાંત અન્ય પડતર પ્રશ્નોનાં સંતોષકારક ઉકેલનાં લક્ષ્ય સાથે આગામી 5 મી ઓક્ટોબર વિશ્વ શિક્ષકદિનનાં રોજ શ્રી કોર્ટ ઓડીટોરીયમ, ખેલ ગાંવ માર્ગ, નવી દિલ્હી ખાતે સંગઠનનાં નિયત કાર્યક્રમ મુજબ ધરણાં પ્રદર્શન કાર્યક્રમ યોજાનાર છે.
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં નેજા હેઠળ યોજાનાર આ ધરણાં પ્રદર્શનમાં દેશભરમાંથી શિક્ષક ભાઈ-બહેનો પોતાની માંગ બુલંદ કરવા જુસ્સાભેર જોડાશે. જે અંતર્ગત આજરોજ સુરત જિલ્લાનાં 130 જેટલાં શિક્ષક ભાઈ-બહેનો પણ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં કાઉન્સિલર અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ એવાં કિરીટભાઈ પટેલનાં આગોતરા માર્ગદર્શન અનુસાર પોતાનાં તાલુકા ઘટક સંઘનાં બેનર હેઠળ વિવિધ માર્ગે દિલ્હી જવા માટે રવાના થયા હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.