ઓલપાડ તાલુકાનાં સી.આર.સી. કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં મહા શ્રમદાન કાર્યક્રમનું આયોજન
(પ્રતિનિધિ દ્વારા. ઓલપાડ) : સ્વચ્છતા હી સેવા સૂત્ર સાથે ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, નઘોઇ, જીણોદ, કમરોલી, મીંઢી, મોર, મીરજાપોર તથા ભગવા ગામની પ્રાથમિક શાળાઓમાં મહા શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દરેક ગામોમાં સરપંચ ઉપસરપંચ, ગ્રામ પંચાયત સભ્યો, તલાટી કમ મંત્રી, આંગણવાડી કાર્યકરો, એસએમસી સભ્યો તથા સહકારી આગેવાનો સહિતનાં મહાનુભાવો જાહેર સ્થળોની સાફ સફાઇ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થયા હતાં.
આ પ્રસંગે કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાન મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પવાનું એક યજ્ઞકાર્ય છે. જે અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ‘એક તારીખ એક કલાક’ સૂત્ર સાથેનું મહા શ્રમદાન કાર્યક્રમનું આયોજન સાચા અર્થમાં જન આંદોલન બની રહેશે. નજીકનાં દિવસોમાં જ ગાબ્રેજ ફ્રી ઇન્ડિયાની થીમ સાથે દરેક ગામો કચરા મુક્ત બનશે. આ પ્રસંગે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહિલા ઉપપ્રમુખ અને કરંજનાં કેન્દ્રાચાર્યા એવાં જાગૃતિ પટેલે મહા શ્રમદાનને રૂટિન કાર્ય બનાવી બાળકો તથા વાલીજનોને પોતાનાં ગામને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી કરી સંપૂર્ણ સ્વસ્થ અને સ્વચ્છ બનાવવા આહવાન કર્યું હતું.