“વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ-તાપી” : અંદાજિત 40 કરોડના 15 જેટલા એમઓયુ થયા

Contact News Publisher

તાપી જિલ્લામાં ઉદ્યોગો માટે ખુબ સારો સ્કોપ છે : પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

જે.કે. પેપર મીલ સહિત વિવિધ કંપનીઓને તાપી જિલ્લામાં પ્લાન્ટ સ્થાપવા માટે આહવાન કરતા પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ

વ્યારા ટાઉન હોલ ખાતે પ્રભારી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ”વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ-તાપી” કાર્યક્રમ યોજાયો

આંત્રપ્રિનિયોરશીપ અંગે વિવિધ વિષયો ઉપર એક્ષપર્ટ સેમિનાર, પેનલ ડિસ્કશન અને ભવ્ય પ્રદર્શનનું કરાયું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.02: વ્યારાના ટાઉન હોલ ખાતેથી ”વાયબ્રન્ટ ગુજરાત- વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ-તાપી” કાર્યક્રમમાં વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ સૌને સંબોધન કરતા જણાવ્યું હતું કે, વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને અનુલક્ષીને તમામ જિલ્લાઓમાં વાઇબ્રન્ટની શરૂઆત જિલ્લા કક્ષાએ કરી છે, ત્યારે તાપી જિલ્લાથી આ કાર્યક્રમની શરૂઆત થતા એ આપણા સૌ માટે ગર્વની બાબત છે.

સમગ્ર રાજ્ય સહિત તાપી જિલ્લામાં પણ મોટેપાયે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ થયુ છે. ભવિષ્યમાં નિર્માણ પામનાર સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો ફોર લેન હાઇવે જેવી બાબતોથી તાપી જિલ્લાના વિકાસમાં વધારો થશે.

તાપી જિલ્લો તમામ ક્ષેત્રે આગળ છે, ત્યારે મંત્રીશ્રીએ આજના કાર્યક્રમમાં 40 કરોડના 15 જેટલા એમઓયુ થયા છે. જેના માટે જિલ્લા તંત્રને અભિનંદન પાઠવી જિલ્લાના વિવિધ ક્ષેત્રે, યુવાનો આગળ વધે અને તાપી સહિત રાજ્યના વિકાસમાં સહભાગી બને તે માટે આહવાન કર્યું હતું.

મંત્રીશ્રીએ તાપી જિલ્લામાં વિવિધ નાની મોટી કંપનીઓ છે. જેમાં અનેક સ્થાનિક લોકોને રોજગારી મળી રહે છે. તાપી જિલ્લામાં ઉદ્યોગો માટે ખુબ સારો સ્કોપ છે, એમ જણાવી જે.કે પેપર મીલ સહિત વિવિધ કંપનીઓને તાપી જિલ્લામાં પ્લાન્ટ સ્થાપવા માટે આહવાન કર્યું હતું.

કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મોહનભાઇ ઢોડિયાએ પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, 2003માં ‘વાઇબ્રન્ટ ગુજરાત’ શરૂ થયુ તેનો હું સાક્ષી રહ્યો છું. આજે આ પહેલ થકી કૌશલ્ય વિકાસમાં, રોજગારી અને ઓદ્યોગિક ક્ષેત્રે ગુજરાત આગવી ઓળખ ધરાવે છે. આ અવસર આજે તમામ જિલ્લાઓને મળ્યો છે, ત્યારે ધારાસભ્યશ્રીએ જિલ્લા તંત્રને આ કાર્યક્રમના સુદ્રઢ આયોજન માટે અભિનંદન પાઠવી ઉપસ્થિત સૌ ઉદ્યોગ સાહસિકોને વાઇબ્રન્ટ તાપીનો ભાગ બનવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા કલેકટર શ્રી વી.એન.શાહે વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ-તાપી કાર્યક્રમ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે તત્કાલિન મુખ્ય મંત્રીશ્રી મોદીજીએ 2003થી ‘વાઇબ્રન્ટ ગુજરાત’ની મુહિમ શરૂ કરી હતી. જેની સફળતાની દેશ અને દુનિયાએ નોંધ લેતા આજે 20 વર્ષની સફળતા બાદ, તમામ જિલ્લાઓમાં આ કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. તેમણે આપણા જિલ્લામાં રહેલ અનેક રોજગારીની તકોને નાગરિકો ઓળખે અને વિકાસની ધારામાં આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી.

નોંધનિય છે કે, રાજ્ય સરકારશ્રી દ્વારા આગામી જાન્યુઆરી 2024 દરમિયાન આયોજિત ‘વાયબ્રન્ટ ગુજરાત સમિટ’ ના ભાગરૂપે દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાએ વાયબ્રન્ટ કાર્યકમો યોજાશે. જેને અનુલક્ષીને તા.૨ થી ૧૨ ઓક્ટોબર સુધી વિવિધ જિલ્લાઓમાં આ કાર્યક્રમના ભાગ રૂપે આંત્રપ્રિનિયોરશીપ અંગે વિવિધ વિષયો ઉપર એક્ષપર્ટ સેમિનાર, પેનલ ડિસ્કશન અને ભવ્ય પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે વિવિધ બેંકના અને ઉદ્યોગ કેદ્નના સહયોગ થકી લાભાર્થીઓને લોન મંજુરીના ચેક વિતરણ, જુદી જુદી યોજનાકિય કીટ વિતરણ કરાયું હતું. કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રના વક્તાઓ દ્વારા ડિજીટલ પ્રિન્ટીંગ, પેપર, પેકેજીંગ યુનિટ વિગેરે ઇન્ડસ્ટ્રીઓની ઉદ્યોગ સાહસિકતા અંગે વિગતવાર જાણકારી આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું. કાર્યક્રમને સુચારૂ રીતે પાર પાડવા ઉદ્યોગ કેન્દ્ર-તાપીના શ્રી ધર્મેશ સોલંકી સહિત ઉદ્યોગ કેન્દ્રના કર્મચારીઓ અને જિલ્લા તંત્રએ ભારે જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઇ વસાવા, ધારાસભ્યશ્રી ડૉ.જયરામભાઇ ગામીત, ધારાસભ્ય શ્રી મોહનભાઇ કોંકણી, જિ.પં પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, ન.પા પ્રમુખ શ્રી રિતેશભાઇ ઉપાધ્યાય, પદ્મશ્રી રમીલાબેન ગામીત, અધિક નિવાસી કલેક્ટર શ્રી આર.જે.વલવી, જે.કે.પેપર મીલના વડા સહિત વિવિધ નાની મોટી કંપનીઓના વડા, વિવિધ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સહિત ઉદ્યોગ સહાસિકો ઉપસ્થિત રહ્યા હતા.
0000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other