તાપી જિલ્લાની ગ્રામ પંચાયતોમાં તા.૦૨ ઓક્ટોબરે ચાલુ નાણાંકીય વર્ષની બીજી ગ્રામસભા યોજાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : : તા: ૩૦ રાજ્યના પંચાયત વિભાગે વર્ષમાં ઓછામાં ઓછી બે ગ્રામસભાનું આયોજન કરવાનું ઠરાવ્યું છે. આ વખતે “સબકી યોજના સબકા વિકાસ” કાર્યક્રમ અંતર્ગત ચાલુ નાણાંકીય વર્ષની બીજી ગ્રામસભા તા. ૦૨/૧૦/૨૦૨૩ના રોજ યોજાવાની છે. જેના અનુસંધાને તાપી જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા થાય તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ ગ્રામસભામાં જિલ્લા/તાલુકાના તમામ વિભાગના વર્ગ-૧ તથા વર્ગ–૨ ના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ હાજરી આપી ગામલોકોના પ્રશ્નોને સાંભળી યોગ્ય કાર્યવાહીનું આયોજન કરવામાં આવશે.
જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા ગ્રામસભાનો કાર્યક્રમ સમયપત્રક સાથે બહાર પાડી તમામ વિભાગના અધિકારીશ્રીઓને જાણકારી આપવામાં આવી છે. જે અન્વયે તાપી જિલ્લાના તમામ તાલુકાઓની ગ્રામ પંચાયતોમાં આગામી તા. ૦૨/૧૦/૨૦૨૩ ના રોજ દિવસ દરમિયાન અલગ-અલગ સમયે ગ્રામસભાનું આયોજન કરાયું છે. ગ્રામસભામાં અધિકારીશ્રીઓ અને ચૂંટાયેલા સભ્યો તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં વિકાસના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને વિવિધ એજન્ડાની ચર્ચા અને કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં ગ્રામસભાના ઉદ્દેશો સિધ્ધ થાય અને વધુ લોકભાગીદારીથી તેનું સફળતાપૂર્વક સંચાલન થાય તે જોવા પણ સૌ સંબંધિતોને અનુરોધ કરવામાં આવ્યો છે.
00000