વઘઇ બોટાનીકલ ગાર્ડન ખાતે વન પર્યાવરણ મંત્રી શ્રી મુકેશ પટેલના હસ્તે ‘ડાંગ મિલેટસ કાફે’નો શુભારંભ કરાયો
(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: 30: ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર એવા વઘઇ સ્થિત બોટાનીકલ ગાર્ડન ખાતે, રાજય વન પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના હસ્તે “ડાંગ મિલેટ્સ કાફે” નો શુભારંભ કરવામા આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદીએ વર્ષ-2023ને મીલેટસ વર્ષ ઘોષિત કર્યું છે. જેની ઉજવણીના ભાગરૂપે પ્રાકૃતિક ડાંગ જિલ્લામાં, દક્ષિણ ડાંગ વન વિભાગ દ્વારા ‘વઘઈ પરિસરિય પ્રવાસન વિકાસ સહકારી મંડળી’ ના નેજા હેઠળ બોટાનિકલ ગાર્ડન ખાતે મહિલાઓ સંચાલિત મીલેટસ બેકરીની શરૂઆત કરવામા આવી છે.
અહિ બનાવવામા આવતી મિલેટસ આધારિત વાનગીઓ સાપુતારા આવતા પ્રવાસીઓ માટે ઉપયોગી થશે. તેમજ આવનાર સમયમા ડાંગ સહિત ગુજરાતના અન્ય આદિવાસી જિલ્લાની મિલેટસ વાનગીઓને, રાજ્ય સરકાર ગુજરાતના દરેક શહેર સુધી પહોચાડવા માટે પ્રયત્નશીલ છે. જેથી સ્થાનિક લોકોને રોજગારી મળી શકશે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વઘઇ બોટાનીકલ ગાર્ડન ખાતે ‘બામ્બુ હાટ’ શરૂ કરાયો છે. જેમા સ્થાનિક લોકો દ્વારા બનાવેલ બામ્બુ આધારિત ચીજવસ્તુઓનુ વેચાણ કરવામા આવે છે. જેને પ્રવાસીઓનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે.
વઘઇ ખાતે શરૂ કરાયેલ મીલેટસ બેકરીમા નાગલી, જુવાર, મકાઈ, બાજરો, ચણા, મોરયો વિગેરે આખા ધાનનો ઉપયોગ કરી બનાવેલ તમામ ચીજ વસ્તુઓ ઉપલબ્ધ છે. જેમાં બિસ્કિટ, કુકીઝ, કેક, બ્રેડ, પિત્ઝા, પાસ્તા વિગેરે વાનગીઓ મહિલાઓ દ્વારા બનાવી વેચાણ કરવામાં આવશે. જેનાથી લોકોને આરોગ્યપ્રદ અને પૌષ્ટિક આહાર મળી રહેશે. સાથે મિલેટસ વાનગીઓ પ્રત્યે લોકોને જાગૃત પણ કરી શકાશે, અને સ્થાનિક બહેનોને રોજગારીની તક ઉપલબ્ધ કરી શકાશે.
વઘઇ બોટાનીકલ ગાર્ડનમા ‘ડાંગ મિલેટસ કાફે’ ના શુભારંભ પ્રસંગે વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી મંગળભાઇ ગાવિત, વધઇ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિત, ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઇ ગાવિત સહિતના મહાનુભાવો, તેમજ દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ રાધાક્રિષ્ના, એ.સી.એફ શ્રીમતી આરતી ભાભોર, શ્રી કેયુર પટેલ સહિતના વન અધિકારીઓ, વન કર્મીઓ, ધ વુમન વેલ્ફેર ટ્રસ્ટ-ડાંગના પ્રમુખ શ્રીમતી રશ્મિ જોષી તેમજ તાલિમાર્થી બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
–