બીઆરસી કક્ષાનાં એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત ઇનોવેશન પસંદગી કાર્યશાળા યોજવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા બીઆરસી કક્ષાનાં એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ અંતર્ગત ઇનોવેશન પસંદગી કાર્યશાળાનું આયોજન અત્રેનાં બીઆરસી ભવન ખાતે કરવામાં આવ્યું હતું. સર્વધર્મ પ્રાર્થના બાદ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સ્વાગત પ્રવચન સાથે ઇનોવેશન કાર્યશાળા બાબતે ટૂંકમાં સમજ આપી હતી. આ પ્રસંગે ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલ તથા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે ઉપસ્થિત રહીને ઇનોવેટિવ શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા હતાં.
સદર કાર્યશાળામાં વિવિધ ધોરણ, વિવિધ વિષય ઉપરાંત ઈતર શૈક્ષણિક ગુણવત્તા સુધાર બાબત સંબંધિત કુલ 21ઇનોવેશન શિક્ષક ભાઈ-બહેનો દ્વારા સહર્ષ રજૂ કરવામાં આવ્યા હતાં.
બીઆરસી કક્ષાની ઇનોવેશન કમિટીમાં રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ બી.આર.સી. એવોર્ડ વિજેતા કિરીટભાઈ પટેલ, પિંજરતનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર પરેશ પટેલ, સાંધિયેરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર તેજસ નવસારીવાલા, એચ.ટાટ આચાર્ય વિનોદ પટેલ તથા શિક્ષક સંઘનાં ઉપપ્રમુખ રાજેશ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમનાં દ્વારા દરેક કૃતિઓનું સચોટ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જે પૈકી પ્રાથમિક કક્ષાએ ‘લેટ્સ લર્ન ઇંગ્લિશ વીથ ફન’ શીર્ષક હેઠળ સીથાણ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા રેશમા સુભાષભાઈ પટેલ, ‘ગણિત બન્યું સરળ’ શીર્ષક હેઠળ દિહેણ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા સેજલ છગનભાઈ પટેલ તથા ‘ખેલતે રહો,શીખતે રહો’ શીર્ષક હેઠળ એરથાણ પ્રાથમિક શાળાનાં મુખ્યશિક્ષક અશ્વિન મગનભાઈ પટેલ તેમજ માધ્યમિક કક્ષાએ ‘સંસ્કૃત: શ્લોકો-અનુવાદ-સમજૂતિ’ શીર્ષક હેઠળ ડી.આર.જી.ડી. સાર્વજનિક વિદ્યાલય, સાયણનાં શિક્ષક વસંત ગીમલાભાઈ ચૌધરી દ્વારા રજૂ થયેલ ઇનોવેશન-કૃતિ બીઆરસી કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરી જિલ્લા કક્ષા માટે પસંદગી પામી હતી.
જિલ્લા કક્ષાનાં એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં પોતાનું ઇનોવેશન રજૂ કરવા પસંદગી પામેલ ઇનોવેટિવ શિક્ષકો સહિત સદર કાર્યશાળામાં ઉત્સાહભેર ભાગ લેનાર તમામ શિક્ષક ભાઈ-બહેનોને ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.