બીઆરસી ભવન ઓલપાડ ખાતે ધોરણ 6 થી 8 નાં શિક્ષકો માટે વૈદિક ગણિતનો દ્વિદિવસીય તાલીમ વર્ગ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : બાળકો વૈદિક ગણિતનાં જ્ઞાન દ્વારા ગણિત વિષયની સમસ્યાઓ સરળતાથી ઉકેલી શકે અને તે સાથે બાળકોની ગણિત વિષય પ્રત્યેની રસરૂચિ જળવાય એ હેતુસર રાજ્ય સરકાર દ્વારા ધોરણ 6 થી 8 નાં ગણિત વિષયનાં શિક્ષકોને તાલીમ આપવાનું એક પત્રમાં ઠરાવેલ છે. જે સંદર્ભે સ્કૂલ ઓફ એક્સલન્સ (SOE) શાળાઓમાં ગણિત વિષયનાં અધ્યાપન કાર્ય સાથે સંકળાયેલ શિક્ષકો માટે બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા વૈદિક ગણિતનો દ્રિદિવસીય તાલીમ વર્ગ યોજવામાં આવ્યો હતો. જેમાં SOE શાળાનાં 30 જેટલાં શિક્ષક ભાઈ-બહેનોએ સહર્ષ ભાગ લીધો હતો.
પ્રારંભે સર્વધર્મ પ્રાર્થના બાદ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌ તાલીમાર્થીઓને આવકારી અધ્યાપન કાર્યમાં વૈદિક ગણિતની મહત્તા સંદર્ભે પ્રકાશ પાડ્યો હતો. આ તકે તેમણે જણાવ્યું હતું કે વૈદિક ગણિતનાં અધ્યયન-અધ્યાપનથી ગણિતનાં તેજસ્વી વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સંશોધનનાં નવાં દ્વાર ખૂલી શકે તેમ છે.
તાલીમ વર્ગમાં તજજ્ઞ તરીકે પ્રફુલ્લા બાંભણીયા (અસ્નાબાદ પ્રાથમિક શાળા), દીપના પટેલ (કરમલા પ્રાથમિક શાળા) તથા ભાર્ગવપ્રસાદ ત્રિવેદી (પરીયા પ્રાથમિક શાળા)એ ઉત્કૃષ્ટ ભૂમિકા નિભાવી હતી. તેમણે વૈદિક ગણિતની ગણન પદ્ધતિઓ સંક્ષિપ્ત, ઝડપી, રસપ્રદ, સહજ, સરળ, આનંદદાયક અને આશ્ચર્યજનક છે એ બાબતને જુદાજુદા ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરી હતી. તાલીમ વર્ગનાં અંતિમ દિવસે તાલીમાર્થીઓએ પોતાનાં પ્રતિભાવો રજૂ કર્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.