તાપી જિલ્લા ખાતે ૨જી અને ૩જી ઓક્ટોબરે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ તાપી-૨૦૨૩ કાર્યક્રમના સુચારુ આયોજન માટે બેઠક યોજાઇ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫ આગામી તાપી જિલ્લામાં તા.૨જી અને ૩જી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ડો.શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ વ્યારા ખાતે વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ તાપી થીમ અંતર્ગત સેમીનાર તથા દ્વિ-દિવસીય પ્રદર્શન કાર્યકર્મ યોજાનાર છે. આ કાર્યક્રમના સુચારુ આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.
જિલ્લા કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના ધંધાવેપારના વિકાસ માટે રાજ્ય સરકારના પ્રયત્નોરૂપે યોજાતી વાયબ્રન્ટ સમિટ આગામી સમયમાં ગાંધીનગર ખાતે યોજાશે જેના ઉપલક્ષ્યમાં જિલ્લાકક્ષાએ વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ ડિસ્ટ્રીક્ટની થીમ આધરિત તા.૨જી અને ૩જી ઓક્ટોબરના રોજ સેમીનાર તથા ૨,૩ ઓક્ટોબર,૨૦૨૩ દરમિયાન દ્વિ-દિવસીય પ્રદર્શન યોજાશે. જેમાં ઉદ્યોગ અને રોજગાર સહિતના વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરાશે.
આ બેઠકમાં નાગરિકોને ઉદ્યોગ તથા રોજગારને લગતી કલ્યાણકારી યોજનાની જાણકારી સરળતાથી મળી રહે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઔદ્યોગિક સહકારી મંડળી, ડિસ્ટ્રીકટ લીડ બેંક (સરકારી-ખાનગી), જિલ્લા રોજગાર કચેરી, શ્રમ આયુક્તની કચેરી, આઇ.ટી.આઇ કચેરી,ખેતીવાડી-બાગાયત વિભાગો દ્વારા સ્ટોલ ઉભા કરાશે. તાપી જિલ્લાના નાગરિકોને રોજગાર અને ઉદ્યોગક્ષેત્રે લાભ થાય તેમજ જિલ્લાના મોટા ઉદ્યોગ સાથે B2 B અને B2G કાર્યકમનું સૂચારૂં આયોજન નક્કી કરવા તથા કાર્યક્રમ અંતર્ગત તમામ સુવિધાઓ પુરી પાડવા સંબધિત અધિકારીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી આર.જે.વલવીએ સમગ્ર બેઠકનું સંચાલન કરવાની સાથે તાપી ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ તાપીના કાર્યક્રમની રૂપરેખા પુરી પાડી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સી.એમ જાડેજા, વ્યારા અને નિઝર પ્રાંત અધિકારીશ્રીઓ સહિતના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ,કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦૦૦૦