સુરત શહેરની ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલમાં પ્રોજેક્ટ ‘સ્વયં-ખોજ ખુદ કી’ નો ઉદઘાટન સમારોહ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : આજનાં યુવાનો અને વિધાર્થીઓમાં સોશિયલ મીડિયાનો વધતો જતો ક્રેઝ, ટ્રેન્ડિંગમાં પોતાની ઓળખ શોધવાની હોડ, બાળકોમાં વધતાં જતાં મોબાઈલનાં ઉપયોગ, યુવાઓમાં વધતી જતી કુટેવો અને ખરાબ લતો તેમજ બાળક અને માં-બાપ વચ્ચે ઘટતી જતી લાગણીઓ જેવી બાબતોને ધ્યાનમાં રાખી આ ઉત્કૃષ્ટ પ્રોજેક્ટ ‘સ્વયં – ખોજ ખુદ કી’ ને લોન્ચ કરવામાં આવ્યો હતો.
સદર પ્રોજેક્ટ અંતર્ગત આખા વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવશે. જે દ્વારા બાળકોમાં વ્યસનમુક્તિ, દેશભક્તિ અને માં-બાપનું સમ્માન જેવાં ગુણોનું સિંચન થશે. આ ઉદઘાટન સમારોહ દરમિયાન બાળકો માટે લોકગીત, નુક્કડ નાટક, કવિતા જેવી કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે છાંયડોનાં પ્રેસિડેન્ટ ભરતભાઈ શાહ, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનાં ચેરમન રાજેશ દેસાઈ, અન્ય હોદ્દેદાર અજીત શાહ, પ્રતિક શ્રોફ, બ્રહ્માકુમારીનાં પ્રતિનિધિ અવનિબેન, શાળાનાં આચાર્ય સી.ડી. પટેલ ઉપરાંત વાલીમંડળનાં સભ્યો હાજર રહ્યા હતાં.