તાપી જિલ્લાની આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ
પ્રજાના પ્રતિનિધિ તરીકે સરકારના લાભો છેવાડાના માનવી સુધી પહોચ્યા છે કે નહી તે જોવાની આપણી જવાબદારી છે-પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : .તા.22: વન અને પર્યાવરણ, કલાઇમેટ ચેન્જ, જળસંપત્તિ અને પાણી પુરવઠાના રાજ્યમંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તથા આદિજાતિ વિકાસ, શ્રમ-રોજગાર, અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિની ઉપસ્થિતિમાં, તાપી જિલ્લાના સેવા સદન ખાતે આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી.
આ પ્રસંગે પ્રભારી મંત્રી શ્રી મુકેશભાઇ પટેલે નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયત પ્રમુખ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓને, ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઇ વિકાસના કામોની સમયાંતરે સમીક્ષા કરવાની પદાધિકારી તરીકેની પ્રાયોરીટી છે, એમ જણાવ્યું હતું. તેમણે પ્રજાના પ્રતિનિધિ તરીકે સરકારના લાભો છેવાડાના માનવી સુધી પહોચ્યા છે કે નહી, તે જોવાની આપણી જવાબદારી છે એમ વધુમાં ઉમેર્યુ હતું.
તેમણે બેઠકમાં વિવિધ વિભાગના સદર અનુસાર બાકી કામો ઝડપથી પુરા કરાવવા અંગે, વિવિધ કામો માટે યોગ્ય સર્વે હાથ ધરી આનુસાંગીક પ્રક્રિયા પુરી કરાવવા સંબંધિત વિભાગ સાથે ચર્ચા કરી હતી.
આદિજાતિ વિકાસ, શ્રમ રોજગાર, અને ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિએ બેઠકમાં કોટવાડીયા સમાજના લોકો માટ મકાનની સુવિધા અંગે, બારમાસી તળાવોમાંથી લીફ્ટ ઇરીગેશનના માધ્યમથી સિંચાઇ માટે પાણી પહોચાડવા અંગે જરૂરી રચનાત્મક સુચનો કર્યા હતા.
બેઠકમાં પ્રયોજના વહિવટદાર શ્રી રામનિવાસ દ્વારા સમગ્ર બેઠકનું સંચાલન કરી, ન્યુ ગુજરાત પેટર્ન આયોજન વર્ષ ૨૦૨૩-૨૪ માટેના વિવિધ વિકાસના કામો અંગે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને સ્વસહાય જુથની બહેનોને સાધન સહાય પુરી પાડવા અંગે, આશ્રમ શાળામાં બેડ પુરા પાડવા અંગે, યુવાનોને મોટર ડ્રાઇવિંગની તાલીમ આપી રોજગારી માટે પ્રેરિત કરવા અંગે, જેવી બાબતો ઉપર ખાસ ચર્ચા કરી સૌના મંત્વ્યો લેવામાં આવ્યા હતા.
આ બેઠકમાં નવ નિયુક્ત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહ જાદવ, ધારાસભ્ય શ્રી મોહન કોંકણી, ધારાસભ્યશ્રી ડૉ.જયરામ ગામીત, કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ સહિત ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦