જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવાની માંગ સાથે યોજાયેલી શિક્ષાયાત્રા-ભારતયાત્રામાં સુરતનાં શિક્ષકો જોડાયા

Contact News Publisher

સોમનાથ ખાતેથી શરૂ થયેલી શિક્ષાયાત્રા-ભારતયાત્રાને સુરત જિલ્લામાં અભૂતપૂર્વ પ્રતિસાદ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવાની માંગણી સાથે સોમનાથ ખાતેથી આરંભાયેલ શિક્ષાયાત્રા-ભારતયાત્રાનું આજરોજ સુરત જિલ્લાનાં કામરેજ ચાર રસ્તા ખાતે આગમન થતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત જિલ્લા સંઘનાં હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના સમગ્ર દેશમાં લાગુ કરવા માટે તબક્કાવાર આંદોલન કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ હતો. પ્રથમ તબક્કામાં ગત તા.10 ઓગસ્ટનાં રોજ દિલ્હીનાં રામલીલા મેદાન ખાતે ધરણાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દેશભરમાંથી શિક્ષકો ઉપરાંત અન્ય કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહીને સંગઠન શક્તિનો પરચો બતાવ્યો હતો. બીજા તબક્કામાં દેશભરમાં જુદી જુદી ચાર જગ્યાએથી શિક્ષાયાત્રા કાઢવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત સમગ્ર દેશમાં ગત તા. 5 સપ્ટેમ્બર શિક્ષકદિનથી આગામી તા.5 ઓક્ટોબર વિશ્વ શિક્ષકદિન સુધીમાં ચાર ઝોનમાં જૂની પેન્શન યોજનાની માંગ સાથે શિક્ષાયાત્રા-ભારતયાત્રા નીકળનાર છે. પહેલી શિક્ષાયાત્રા આસામનાં સિલચરથી, બીજી ગુજરાતનાં સોમનાથથી, ત્રીજી અટારી બોર્ડરથી અને ચોથી યાત્રા કન્યાકુમારીથી શરૂ થઈ આ ચારેચ યાત્રાઓ તા.5 ઓકટોબરે દિલ્હી પહોંચશે.
પવિત્ર યાત્રાધામ સોમનાથ ખાતેથી આરંભાયેલ શિક્ષાયાત્રા તેનાં નિયત કાર્યક્રમ મુજબ આજરોજ જિલ્લાનાં કામરેજ ચાર રસ્તા સ્થિત શ્રી દાદા ભગવાન મંદિર ખાતે આવી પહોંચી હતી. જ્યાં રેલી સભામાં તબદીલ થઈ હતી. વિદ્યાદેવી માં સરસ્વતી સમક્ષ દીપ પ્રજ્વલન કર્યા બાદ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરી પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં નર્મદ અને સરદાર પટેલનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આપણે કોઈપણ ભોગે જૂની પેન્શન યોજના લઈને જ જંપીશું. તેમણે ધારદાર શબ્દો દ્વારા આ લડતમાં પાછીપાની ન કરવાનો અંગુલિનિર્દેશ કર્યો હતો. આ તકે સભાને વિવિધ હોદ્દેદારોએ પણ સંબોધી હતી. અહીં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ ઉપસ્થિત શિક્ષક ભાઈ-બહેનોને શિક્ષાયાત્રા-ભારતયાત્રાથી અવગત કરી જણાવ્યું હતું કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર જૂની પેન્શન યોજના પુનઃ શરૂ નહીં કરે ત્યાં સુધી આપણી લડત જારી રહેશે. તેમણે જરૂર પડે ચક્કાજામ સહિતનાં કાર્યક્રમો પણ આપવામાં આવશે તેવો હુંકાર કર્યો હતો.
આ પ્રસંગે તમામ તાલુકા ઘટક સંઘનાં હોદ્દેદારો ઉપરાંત સુરત શહેર સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો અને અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર પરિસર ‘જૂની પેન્શન યોજના લાગુ કરો’નાં ગગનભેદી નારા સાથે ગુંજી ઉઠ્યું હતું. અંતમાં સભામાં ઉપસ્થિત સૌ શિક્ષકો તથા કર્મચારીઓએ સંગઠનશક્તિનો પરચો બતાવી પોતાની માંગણીઓ સંદર્ભે અપેક્ષિત વિજય મેળવવાનાં શપથ લીધા હતાં. કાર્યક્રમનું સંચાલન કામરેજની કોસમાડી પ્રાથમિક શાળાનાં આચાર્ય યાસીન મુલતાનીએ કર્યું હતું. અંતમાં આભારવિધિ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીએ આટોપી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે ભારે જહેમત ઉઠાવી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other