જૂની પેન્શન યોજનાની માંગને બુલંદ કરવા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઘોષિત રાષ્ટ્રવ્યાપી શિક્ષાયાત્રા-ભારતયાત્રાનો સોમનાથ ખાતેથી પ્રારંભ
સોમનાથ મહાદેવનાં આશીર્વાદ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં નેજા હેઠળ રાજયમાં નિયત કાર્યક્રમ મુજબ યાત્રાનો પ્રારંભ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા જૂની પેન્શન યોજના દેશભરમાં ચાલુ કરવા માટે વિવિધ આંદોલન કાર્યક્રમો જાહેર કરવામાં આવેલ છે. તા.9/7/2023 નાં રોજ દિલ્હી શિક્ષક ભવન ખાતે હોદ્દેદારોની મિટીંગમાં નક્કી થયા મુજબ પ્રથમ તબક્કે તા.10/8/2023 નાં રોજ દિલ્હી રામલીલા મેદાન ખાતે ધરણાં કાર્યક્રમ યોજાયા બાદ બીજા તબક્કામાં દેશભરમાં જુદી જુદી ચાર જગ્યાએથી શિક્ષાયાત્રા-ભારતયાત્રા યોજવાનું નક્કી કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં તા.5 મી સપ્ટેમ્બર 2023 શિક્ષકદિનથી તા.5 મી ઓક્ટોબર 2023 વિશ્વ શિક્ષકદિન સુધીમાં ચાર ઝોનમાં શિક્ષાયાત્રાઓ નીકળશે. પહેલી શિક્ષાયાત્રા આસામ સિલચરથી, બીજી યાત્રા કન્યાકુમારીથી, ત્રીજી યાત્રા અટારી બોર્ડરથી અને ચોથી યાત્રા સોમનાથથી શરૂ થઈ 5 મી ઓક્ટોબર વિશ્વ શિક્ષકદિને શ્રી કોર્ટ ઓડીટોરીયમ, ખેલ ગાંવ માર્ગ, નવી દિલ્હી ખાતે મળશે. જેમાં બેલ્જિયમ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવાં પાર્ટનર દેશોનાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે.
આ બાબતે વધુ માહિતી આપતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગત દિવસોમાં ઉપરોક્ત ત્રણ સ્થળોએથી આ શિક્ષાયાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે, જે સહિત પશ્ચિમ ભારતની ગુજરાતમાંથી નીકળનાર ચોથી યાત્રાનો સોમનાથ મહાદેવનાં આશીર્વાદ સાથે પ્રારંભ થઈ ચૂક્યો છે. આ યાત્રા ગુજરાતનાં લગભગ 18 જેટલાં જિલ્લાઓમાંથી પસાર થઈ મહારાષ્ટ્રમાં પ્રવેશશે. ત્યાંથી મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા થઈ 5 મી ઓક્ટોબરે દિલ્હી પહોંચશે.
સોમનાથ ખાતે આ શિક્ષાયાત્રા-ભારતયાત્રાનાં પ્રસ્થાન પ્રસંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ યાત્રાનો મુખ્ય હેતુ દેશભરનાં સરકારી કર્મચારીઓની માંગ મુજબ જૂની પેન્શન યોજનાનો લાભ મળે તે માટે સરકારને જગાડવાનો છે. તેમણે સરકાર સામેની આ લડાઈમાં વધુમાં વધુ શિક્ષક ભાઈ-બહેનોને જોડાવા માટે અપીલ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાંથી જે-જે જિલ્લાઓમાંથી આ શિક્ષાયાત્રા પસાર થશે તે જિલ્લા અને તેની નજીકનાં જિલ્લામાંથી તાલુકા ઘટક સંઘ તથા જિલ્લા સંઘનાં હોદ્દેદારો અને શિક્ષક ભાઈ-બહેનો તેમાં જોડાશે. શિક્ષાયાત્રાનાં પ્રારંભે બાઈક રેલી, રૂટમાં આવતા જિલ્લાઓમાં સભા, પ્રેસ કોન્ફરન્સ, રાત્રિ રોકાણ વિગેરેનું સઘન આયોજન કરવામાં આવેલ છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.