ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા મિણબત્તી પ્રજ્વલન તથા થાળી રણકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
થાળી-વેલણ વગાડી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા શિક્ષકોનો નમ્ર પ્રયાસ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજયનાં તમામ કર્મચારીઓનાં હિતમાં કેટલાંક ઉકેલ માંગતા પ્રશ્નો બાબતે ભૂતકાળમાં ગુજરાત રાજ્ય સંયુકત કર્મચારી મોરચો, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આંદોલન કાર્યક્રમ આપવામાં આવેલ હતો. પડતર પ્રશ્નોનાં ઉકેલ માટે સરકારશ્રી દ્વારા બનાવાયેલ પાંચ મંત્રીશ્રીઓની કમિટી સાથે તા.૧૬/૦૯/ર૦રર નાં રોજ મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં મહદ્અંશે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવેલ હતું. થયેલ સમાધાન મુજબનાં મુખ્ય ત્રણ પ્રશ્નોનું આજદિન સુધી નિરાકરણ ન મળતાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કરમસદ ખાતેની સંકલન સભામાં ઘડી કાઢવામાં આવેલ નિયત કાર્યક્રમ મુજબ ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલનાં નેજા હેઠળ આજરોજ ઓલપાડ ખાતે તાલુકા પંચાયત કચેરીનાં પટાંગણમાં એકત્રિત થઈને શિક્ષકો દ્વારા થાળી-વેલણ વગાડીને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા માટેનો પ્રયાસ કરાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ એક વાતચીતમાં જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજનાનાં અમલીકરણ સંદર્ભે સરકારશ્રીનું ધ્યાન દોરવા આજરોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઘડી કાઢવામાં આવેલ નિયત કાર્યક્રમનાં ભાગરૂપે તાલુકા કક્ષાએ સામૂહિક મિણબત્તી પ્રજ્વલન તથા થાળી રણકારનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જે સફળતાપૂર્વક સંપન્ન થયેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકારશ્રી સમક્ષ ગત દિવસોમાં વિવિધ પડતર પ્રશ્નો હલ કરવા સંદર્ભે વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી તેનો ઉકેલ આવ્યો નથી. જ્યાં સુધી અમારી માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવા વિવિધ તબક્કાઓમાં કાર્યક્રમ યથાવત રહેશે.
આ પ્રસંગે સર્વશ્રી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, કાર્યવાહક પ્રમુખ ગિરીશ પટેલ, ઉપપ્રમુખ ચિરાગ પટેલ, બ્રિજેશ પટેલ, રાજેશ પટેલ તથા પરેશ પટેલ, મહિલા ઉપપ્રમુખ જાગૃતિ પટેલ, નાણાંમંત્રી મહેન્દ્રસિંહ ગોહિલ, તાલુકા સલાહકાર સમિતિનાં કન્વીનર મહેશ પટેલ સહિત મોટી સંખ્યામાં શિક્ષક ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.