માઉન્ટ એવરેસ્ટ સર કરવાના સ્વપ્ન સાથે ‘કાંગ યાત્સે’ (ઊંચાઈ ૬૪૦૦ મીટર/૨૧ હજાર ફૂટ) ઉપર તિરંગો લહેરાવતો ડાંગનો એકમેવ પર્વતારોહક ભોવાન રાઠોડ

Contact News Publisher

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  તા: ૧૩: સહ્યાદ્રિ પર્વતમાળાના યુવાને હિમાલયન વેલીના સૌથી ઊંચા શિખર ‘માઉન્ટ એવરેસ્ટ’ ને સર કરવાના જોયેલા સ્વપ્નને પૂર્ણ કરવાની દિશામાં વધુ એક ડગલું ભરતા, ડાંગ સહિત રાજ્યના સાહસિક યુવાનોમાં વધુ એક આશાનું કિરણ જન્માવ્યું છે.

ખુબસુરત ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચીરાપાડા ગામના શ્રમજીવી પરિવારના ફરજંદ એવા પર્વતારોહક યુવાન શ્રી ભોવન રાઠોડે, તાજેતરમાં જ હિમાલય વેલીની KY1 તરીકે ઓળખાતા અને ૬૪૦૦ મીટર (૨૧ હજાર ફૂટ) ની ઊંચાઈએ આવેલા માઉન્ટ ‘કાંગ યાત્સે’ શિખર ઉપર, ભારતનો ત્રિરંગો લહેરાવ્યો છે.

ટાટા સ્ટિલની સ્પોન્સરશીપના સથવારે ઉત્તર-પશ્ચિમ ભારતના લદાખ ક્ષેત્રમાં હિમાલયની ‘માર્ખા ઘાટી’ માં આવેલા ‘હેમિસ નેશનલ પાર્ક’ માં સમાવિસ્ટ માઉન્ટ ‘કાંગ યાત્સે’ કે જેની ઊંચાઈ ૬૪૦૦ મીટર (૨૧,૦૦૦ ફૂટ) છે ત્યાં પહોંચી ડાંગના આ યુવાને ફરી એક વાર ‘માઉન્ટ એવરેસ્ટ’ ના બારણે ટકોરા માર્યા છે. ઉલ્લેખનીય છે કે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ ૮૮૪૮.૮૬ મીટર (૨૯ હજાર ૦૩૨ ફૂટ) છે. જ્યાં ભારતના સૌથી મોટા રાષ્ટ્રધ્વજને ફરકાવવાની આ યુવાનની ખ્વાહિશ છે.

ડાંગ જિલ્લાના એકમેવ પર્વતારોહક તરીકે ડાંગ અને રાજ્યનું નામ રોશન કરનારા આ સાહસિક યુવાને માઉન્ટ ‘કાંગ યાત્સે’ સર કર્યા પછી એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, KY1 માટે ટાટા સ્ટિલ દ્વારા ગુજરાતમાંથી એક માત્ર તેમની પસંદગી કરાતા, દેશના અન્ય પ્રદેશના કુલ ૧૨ સાહસિક યુવાનોની ટિમ માઉન્ટ ‘કાંગ યાત્સે’ સર કરવા નીકળી હતી.

વિષમ પરિસ્થિતિમાં ઓક્સિજનની કમી વચ્ચે અનુક્રમે ૧૨ અને ૧૫ હજાર ફૂટની ઊંચાઈએ તેમની ટિમના ત્રણ યુવાનોની હાલત કથળતા તેમને રેસ્ક્યુ કરી હોસ્પિટલ ભેગા કરાયા હતા. ત્યાર બાદ બાકીના પર્વતારોહકોએ તેમની સફર આગળ વધારી હતી. લક્ષીત શિખરની નજીક સીધા ચઢાણ ઉપર હાડ ગાળી નાખતી ઠંડીમાં ખૂબ ઓછા ઓક્સિજનને કારણે ટિમના બીજા ચાર યુવાનોએ બેઝ કેમ્પ પરત ફરવું પડ્યું.

બાકીના પાંચ યુવાનો કે જેમાં હિમાચલ પ્રદેશના બે, કેરાલાના બે અને ગુજરાતના એકમાત્ર એવા ડાંગના ભોવાન રાઠોડે જબરદસ્ત ક્ષમતા અને આત્મવિશ્વાસ સાથે તારીખ ૮મી સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ અડધી રાત્રે અઢી વાગ્યે માઇનસ શૂન્યથી નીચેના તાપમાને, કે જ્યારે બર્ફીલા ગ્લેશિયર કઠણ થઈ જાય છે તેવા અનુકૂળ સમયે લક્ષ નીર્ધાર સાથે ચહેલકદમી કરીને, વહેલી સવારે જ્યારે સૂર્યના કિરણોએ સમગ્ર હિમાલયન વેલીને અજવાળી દીધી હતી ત્યારે, અને ગ્લેશિયર પીગળવાનું શરૂ થાય તે પહેલા ૮:૨૫ વાગ્યે KY1 ના ફલક ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવી, ડાંગનું નામ ફરી એકવાર સ્વર્ણક્ષરે અંકિત કર્યું છે.

આ સિદ્ધિ હાંસલ કર્યાની જાણ થતાં જ આ ટિમના સ્પોન્સર ટાટા સ્ટિલના સીઈઓ શ્રી સૌરવ રોયે ભોવાન સહિતના સાહસિક યુવાનોને ટેલિફોનિક અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે ડાંગ જિલ્લા વહીવટી તંત્રના વડા એવા કલેકટર શ્રી મહેશ પટેલે પણ જિલ્લા પ્રશાસન વતી ડાંગના નવયુવાન પર્વતારોહકને અભિનંદન પાઠવ્યા છે.

‘કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અને અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો’ આ કહેવતને સાચા અર્થમા સાકાર કરતા ડાંગના આ પહાડી યુવકે, જીવનમા એક દિવસ માઉન્ટ એવરેસ્ટ સર કરવાના સ્વપ્ન સાથે આ અગાઉ એવરેસ્ટ બેઝ કેમ્પ, અને છેક કાલા પથ્થર સુધી જઈને, એવરેસ્ટને આંગણે દસ્તક દીધા હતા.

ડાંગના આ યુવકે તેની આંખોમા આંજેલા માઉન્ટ એવરેસ્ટ સર કરવાના સ્વપ્નની પૂર્તિ માટે પ્રથમ ગુજરાત, અને રાજસ્થાનની સરહદે આવેલી અરવલ્લીની પર્વતમાળાના શિખરે આવેલા માઉન્ટ આબુથી તેની માઉન્ટ એવરેસ્ટની સફરનો પ્રારંભ કરવાનુ નક્કી કર્યું, અને ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ હસ્તકની સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુ (રાજસ્થાન) ખાતે ઉપલબ્ધ એડવેન્ચર કોર્ષ, બેઝિક કોર્ષ, એડવાન્સ કોર્ષ, કોચિંગ કોર્ષ, અને રોક કલાઈંબિંગ કોર્ષમા સફળતાપૂર્વક ભાગ લઈ, જૂન ૨૦૨૨ના અંતે એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચી ગયો હતો. ત્યાંથી પરત આવ્યા બાદ ટાટા સ્ટિલ દ્વારા તેની KY1 માટે પસંદગી થતા તે ફરી બર્ફીલા પહાડોની ગોદમાં પહોંચી ગયો હતો.

શરૂઆતમા માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ (૫૩૬૪ મીટર), અને ત્યાંથી કાલા પથ્થર (૫૫૫૦ મીટર)ની ચઢાઈ કરીને, માઉન્ટ એવરેસ્ટની તળેટી સુધી પહોંચી, એક દિવસ દુનિયાની સર્વોચ્ચ ચોટી ઉપર પહોંચવાના સંકલ્પને દોહરાવતા ભોવાન રાઠોડે, સપ્ટેમ્બર ૨૦૨૩માં માઉન્ટ ‘કાંગ યાત્સે’ કે જેની ઊંચાઈ ૬૪૦૦ મીટર (૨૧,૦૦૦ ફૂટ) છે ત્યાં પહોંચી, તેના સંકલ્પથી સિદ્ધિની યાત્રાને આગળ ધપાવવાનો મજબૂત ઈરાદો વ્યક્ત કર્યો છે.

શ્રી ભોવાન રાઠોડનો સંપર્ક નંબર : ૭૩૫૯૭ ૦૬૧૮૨ છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other