ડાંગ સ્વરાજ આશ્રમના ૭૬માં સ્થાપના દિનની ઉજવણી કરાઈ
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: ૧૦: ‘આઝાદીના અમૃત મહોત્સવ’ ની ઉજવણી સંદર્ભે, ડાંગમાં શિક્ષણ અને સંસ્કારની જ્યોત પ્રજ્વલિત કરનાર ‘ડાંગ સ્વરાજ આશ્રમ’ નો ૭૬મો સ્થાપના દિવસ ઉજવાઈ ગયો.
તારીખ ૭મી સપ્ટેમ્બરે આશ્રમના સ્થાપના દિવસ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત, આશ્રમ વિદ્યાલયના બાળકોએ સૂત્રોચ્ચાર સાથે પ્રભાતફેરી યોજી, આશ્રમમાં સ્થપાયેલ પ્રથમ કુટિર ખાતે એકત્ર થઈ વડીલોને પુષ્પ અર્પણ કર્યા હતા. ત્યાર બાદ આશ્રમના પ્રાર્થના ખંડમાં આશ્રમ ટ્રસ્ટ દ્વારા સ્થપાયેલી સ્વ.શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ, છોટુભાઈ નાયક, અને મોરારજી દેસાઈની પ્રતિમાઓને પુષ્પ અર્પણ કરી, વિદ્યાર્થીઓ દ્વારા સ્વતંત્ર સેનાની, સામાજિક કાર્યકર એવા સ્વ.શ્રી ધેલુભાઈ નાયક, અને ગાંડાભાઈ પટેલના નિવાસ્થાને જઈ પુષ્પ અર્પણ કરી, ભજનકિર્તન કર્યા હતા.
ત્યાર બાદ આશ્રમ પરિસરમાં આવેલા ટિમ્બર હોલ ખાતે ટ્રસ્ટી શ્રી વનરાજભાઈ ડી.નાયક, જાગૃતિબેન છોટુભાઈ નાયક, હિતેન્દ્રભાઈ પટેલ, દેવેન્દ્રભાઈ છોટુભાઈ નાયક, નિલેશભાઈ એમ.નાયક, પ્રફુલભાઈ નાયક તથા મુખ્ય મહેમાન એવા આહવાના સરપંચ શ્રી હરિચંદ ભોયે, સામાજિક કાર્યકર શ્રી સ્નેહલ ઠાકરે, ધર્મેશ ચૌહાણ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
૭૬માં સ્થાપના દિન નિમિત્તે આશ્રમનો પરિચય અને ઇતિહાસ શ્રી કેતનભાઇ પટેલ દ્વારા વર્ણવવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ડાંગ સ્વરાજ આશ્રમ એ ડાંગની ઐતિહાસિક સંસ્થા છે. ડાંગમાં શિક્ષણનો પાયો નાખનાર આશ્રમ છે. આ સંસ્થાના સ્થાપક એવા સ્વ.શ્રી છોટુભાઈ નાયક, ધીરુભાઈ નાયક, ઘેલુભાઈ નાયક, ગાંડાભાઈ પટેલ, ઉપરાંત ટ્રસ્ટી મંડળનો પરિચય આપી, ૭૬મા સ્થાપના દિનની શુભેચ્છા આપી હતી
કાર્યક્રમના અંતે શાળા શિક્ષક શ્રી ચેતનભાઈ ચોર્યાએ આભારવિધિ આટોપી હતી. અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.
–