તાપી : કલકવા ખાતે જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી
સમસ્ત દક્ષિણ ગુજરાતમાં કનૈયાના પારંપારિક અખંડ ભજન, સપ્તાહ , પાલખીયાત્રા,મટકીફોડનું વિશિષ્ટ આયોજન કરીને ભાવવિભોર બન્યા ગ્રામજનો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૮: કૃષ્ણ જન્મોત્સવની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પારંપારિક રીતે ઉજવણી કરવામાં આવે છે. ગામે ગામ મંદિરો સહિત ગામડાઓમા કાનુડાના અખંડ ભજનનું આયોજન કરવામાં આવે છે. મહત્તમ ગામડાઓમાં ૨૪ કલાક, ૧૨ કલાક અખંડ ભજનો ગાવામાં આવે છે. ગામના યુવક-યુવતિ સૌ ભેગા મળીને ભક્તિના રંગે રંગાઈ જાય છે. રાત્રે કનૈયાનો જન્મોત્સવ ઉજવી સમગ્ર ગ્રામજનો ભાવવિભોર બની જાય છે.
કલકવા ગામે ચૌધરી ફળિયામા ૩૯મી જન્માષ્ટમી અખંડ ભજન થી ઉજવવામાં આવી હતી. સૌ યુવાન યુવતીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો. અહીંના ગ્રામ્ય વિસ્તાર માં ઠેરઠેર અખંડ ભજન, સપ્તાહ, પાલખી યાત્રા, મટકીફોડનું આયોજન કરવામાં આવે છે. જન્માષ્ટમી ના બીજા દિવસે ગામમાં કાનુડાના પારણાંને લઈ પાલખી યાત્રા કાઢવામાં આવે છે. ભજનોની રમઝટ સાથે ઘરેઘરે પાલખી સાથે ગોપ ગોપીઓ ઉત્સાહ થી તરબોળ થઈ જાય છે. કલકવા ગામે રાસ-ગરબાની રમઝટ સાથે મટકીફોડ કાર્યક્રમ સાથે ગામલોકો સમૂહ ભોજન સાથે એકતાની ભાવનાના દર્શન કરાવ્યા હતા. ગામડાઓની પરંપરાગત સંસ્કૃતિ હજુ અકબંધ જળવાયેલી છે. કલકવાના ખેલૈયાઓએ તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
૦૦૦૦૦૦૦૦