તાપી જિલ્લાના નિવૃત રમતવીરોને પેન્શન આપવાની યોજના

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યના જે રમતવીરોએ રમત ગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોય અને જેઓ આર્થિક રીતે નિ:સહાય હોય તેવા રમતવીરોને પેન્શન આપવાની યોજના અમલમાં છે. આ યોજનાનો લાભ મેળવવા માટે રમતવીર ગુજરાતના વતની હોવા જોઇએ તેમજ ૫૦ વર્ષથી વધુ ઉંમરના હોવા જરૂરી છે. તેમજ પોતાની કારકિર્દી દરમ્યાન રમત ગમત ક્ષેત્રે રાષ્ટ્રકક્ષાએ વ્યક્તિગત કે સાંધિક રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બ્રોન્ઝ મેડલ મેળવેલ હોય કે રાજ્ય તરફથી નેશનલ માટે મોકલાયેલ ટીમના સભ્ય હોય તેવા રમતવીરોને પાત્ર ગણવામાં આવશે, તેમજ નિવૃત રમતવીરે યુવાન વયે પોતાની કારકીર્દી દરમ્યાન ૩૫ વર્ષની ઉંમર સુધી રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રકક્ષાએ રમતોમાં ભાગ લઇ પદ પ્રાપ્ત કરી રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધારી રમતોમાં ભાગ લીધેલ હોય તેવા ખેલાડીઓને આ યોજના માટે પાત્ર ગણવામાં આવશે. આ રમતો સરકારશ્રી દ્વારા યોજવામાં આવતી હોય તથા રાજ્ય અને રાષ્ટ્રકક્ષાના માન્ય ફેડરેશન દ્વારા જે-તે સમયે યોજવામાં આવેલ હોય તેવી જે-તે સમયની તમામ ઓલમ્પિક રમતો અને પારંપરિક રમતો જેવી કે કબડ્ડી, ખો-ખો, યોગાસન, મલખમ રમતોને પણ માન્ય ગણવામાં આવશે.

આ યોજના અન્વયે પાત્રતા ધરાવતા રમતવીરને આવકની કોઇ મર્યાદા વગર તેઓને માસિક રૂ.૩૦૦૦/-(ત્રણ હજાર પુરા)ની રકમ માસિક ધોરણે પેન્શન રૂપે ચુકવવામાં આવશે. આ યોજના અંતર્ગત તાપી જિલ્લાના પાત્રતા ધરાવતા નિવૃત રમતવીરો જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બ્લોક નં-૬, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન પાનવાડી, વ્યારા.જિ.તાપી કચેરી સમય દરમ્યાન અરજી ફોર્મ મેળવી આગામી તા.૧૫/૦૯/૨૦૨૩ સુધીમાં ડોમીસાઇલ પ્રમાણપત્ર, રમતક્ષેત્રે મેળવેલ સિધ્ધિઓના પ્રમાણપત્રોની નકલ અને જરૂરી આધાર-પુરાવા સાથે અરજી બે નકલમાં રૂબરૂ પહોંચાડવાની રહેશે. સમય મર્યાદા બહાર આવેલ અરજીઓ અમાન્ય ગણવામાં આવશે. વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.
૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other