કે.વિ.કે. વ્યારા ખાતે બાગાયત એક ઉદ્યોગ વિષય ઉપર ખેડૂત કાર્યશાળા યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ , નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી , નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે . આ કેન્દ્ર દ્વારા તા . ૨૦ / ૦૨ / ૨૦૨૦ના રોજ રાષ્ટ્રિય બાગાયત બોર્ડ , અમદાવાદ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારાના સહયોગથી ” બાગાયત એક ઉદ્યોગ – ખેડૂતોની આવક બમણી કરવાનો વિકલ્પ ‘ વિષય ઉપર એક દિવસીય ખેડૂત કાર્યશાળા યોજવામાં આવી હતી . સદરહું કાર્યશાળામાં કુલ ૧૩૫ ખેડૂત ભાઈ – બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો . કાર્યક્રમના મુખ્ય અતિથિ શ્રી હિતેશ જોષી , પ્રાંત અધિકારીશ્રી , તાપી કે જેઓએ આ કાર્યક્રમનો હેતુ મર્યાદિત ન રાખતા તેનો વ્યાપ વધે તે માટે ખેડૂતોને ઉજાગર કર્યા હતા . તઉપરાંત , આપણી નજીકના રાજય મહારાષ્ટ્ર કે જયાં શેરડીનું વાવેતર ઘટતા તેના વિશે ચિંતા દર્શાવી હતી અને આપણા વિસ્તારમાં શેરડીનું વાવેતર ઘટે તો તેના વિકલ્પ સ્વરૂપે બાગાયતી પાકોની વાવણી કરવા માટે જણાવ્યું હતું . વધુમાં , તેમણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારાની ખેડૂતલક્ષી કામગીરીની સરાહના પણ કરી હતી . કાર્યક્રમની શરૂઆતમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા , ડૉ . સી . ડી . પંડયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો તથા ખેડૂતોને આવકાર્યા હતા . વધુમાં તેમણે તાપી જિલ્લામાં બાગાયતી પાકોનો તબક્કાવાર વ્યાપ વધે અને ખેડૂતોની આવક બમણી થાય તે અંગે માહિતગાર કર્યા હતા . શ્રી લક્ષ્મણસિંહ , ડેપ્યુટી ડાયરેકટર , રાષ્ટ્રિય બાગાયત બોર્ડ , અમદાવાદ દ્વારા બાગાયતી પાકો તેમજ નેટ હાઉસ અને ગ્રીન હાઉસ પર મળતી ખેડૂતલક્ષી યોજનાઓની વિસ્તૃત છણાવટ કરી હતી . શ્રી નિકુંજ પટેલ , નાયબ બાગાયત નિયામકશ્રી , તાપી દ્વારા બાગાયત વિભાગ , ગુજરાત રાજય દ્વારા ઉપલબ્ધ બાગાયતની જુદી જુદી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી . અસ્પી બાગાયત કોલેજ , નવસારી કૃષિ યુનિવર્સિટી , નવસારીથી પધારેલ ડૉ . સંજીવકુમાર શર્મા , મદદનીશ પ્રાધ્યાપક દ્વારા ખેડૂતોને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમ દ્વારા શાકભાજી પાકોમાં રક્ષિત ખેતી કરી ખેડૂતોની આવક બમણી કરવા માટે વિસ્તૃત માહિતી આપી હતી . હાલ ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે ઉપલબ્ધ કિસાન ક્રેડીટ કાર્ડ ( Kcc ) વિશેની તબક્કાવાર માહિતી , નાબાર્ડ બેંકમાંથી પધારેલ શ્રી અનિલ પુરોહિત તેમજ બેંક ઓફ બરોડામાંથી પધારેલ શ્રી વી . ફનીધર દ્વારા ખેડૂતોને આપવામાં આવી હતી . શ્રી સંદિપ પંચાલ , ઓફિસર , જી . જી . આર . સી . દ્વારા બાગાયતી યોજનાઓની માહિતી આપી હતી . ડૉ . ધર્મિષ્ઠા એમ . પટેલ , વૈજ્ઞાનિક ( બાગાયત ) દ્વારા નવસારી કૃષિ યુનિવર્સિટી સંશોધિત બાગાયતી પાકો માટેની આધુનિક તકનીકો વિશે જાણકારી આપી હતી . કાર્યક્રમના અંતે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું . સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન તથા આભાર વિધિ ડૉ . ધર્મિષ્ઠા એમ . પટેલ , વૈજ્ઞાનિક ( બાગાયત ) દ્વારા કરવામાં આવ્યું હતું . સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકશ્રીઓએ ભારે જહેમત ઉઠાવી હતી .