પાલ ગામ સ્થિત શાળામાં લાઈફ સ્કીલ મેળા અંતર્ગત કારીગરો દ્વારા લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક 319માં બાળમેળા અને લાઈફ સ્કીલ મેળાની ઉજવણી અંતર્ગત ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, સુથાર અને કડિયા જેવાં કારીગરોને પ્રત્યક્ષ બોલાવી એમનાં કામનું પ્રત્યક્ષ નિદર્શન યોજવામાં આવ્યું હતું. ઇલેક્ટ્રિશિયન શિવ પાંડે, સુથાર રમેશકાકા, પ્લમ્બર દિનેશભાઈ, કડિયા કામ કરનાર જગદીશભાઈ અને વેલ્ડિંગ કરનાર રમણભાઈ દ્વારા પોતાનાં કામોનું પ્રત્યક્ષ નિદર્શન શાળા પરિસરમાં કરવામાં આવ્યું પોતપોતાનાં ઓજારોનો પરિચય આપી સૌ કારીગરોએ વિદ્યાર્થીઓને પોતાનાં વ્યવસાયની જાણકારી આપી હતી.
શાળાનાં આચાર્ય પ્રકાશભાઈ પરમારે તમામ કારીગરોનું સ્વાગત સન્માન કરતાં જણાવ્યું કે આપણા રોજિંદા જીવનમાં આ બધા નાના નાના કામો કરનાર કારીગરોનો બહુ મોટો ફાળો છે. કેટલાંક કામો આપણે પણ શીખીને જાતે કરી શકીએ પણ એના માટે શું કાળજી લેવાની અને કયા સાધનોનો ઉપયોગ કરવાનો તેની જાણકારી મેળવવી જરૂરી છે. વિદ્યાર્થીઓએ ઉત્સાહ અને કુતૂહલ સાથે સૌ વ્યવસાયકારને સાંભળ્યા નિહાળ્યા હતાં.