અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના સંદર્ભે નવી દિલ્હી ખાતે ધરણાનો કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિત દેશભરનાં અન્ય 36 જેટલાં કર્મચારી મહામંડળોએ ભાગ લીધો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : જૂની પેન્શન યોજના બહાલ કરવા સંદર્ભે દેશની રાજધાની નવી દિલ્હીનાં રામલીલા મેદાન ખાતે એક દિવસનો ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ, ઓલ ઇન્ડિયા કર્મચારી મહામંડળ તથા રાજ્ય કર્મચારી મહામંડળનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ એકદિવસીય ધરણાં કાર્યક્રમમાં ભારતીય રેલવે કર્મચારી મંડળ સહિત 36 જેટલાં કર્મચારી મહામંડળનાં અંદાજિત 1.50 લાખથી વધુ કર્મચારીઓ જોડાયા હતાં.
જૂની પેન્શન યોજના બહાલ કરવાનાં મક્કમ નિર્ધાર સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાની આગેવાનીમાં મહામંત્રી સતિષભાઈ પટેલ તથા રાજ્ય સંઘનાં હોદ્દેદારો, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનાં કાઉન્સિલર અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ એવાં કિરીટભાઈ પટેલ સહિત ગુજરાત રાજ્યનાં વિવિધ જિલ્લાનાં હોદ્દેદારોએ ભાગ લીધો હતો.
સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે આ બાબતે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા સમાધાનનાં ભાગરૂપે 2005 પહેલાંનાં શિક્ષકોને જૂની પેન્શન યોજનામાં સમાવવા તેમજ 10 ટકાની સાથે 17 ટકા સી.પી.એફ. માં નાણાં જમા કરાવવા બાબતની આજદિન સુધી અમલવારી કરવામાં આવી નથી. જેની સત્વરે અમલવારી કરવા માટે 19 ઓગષ્ટનાં રોજ ધારાસભ્ય, સંસદસભ્ય અને જિલ્લાકક્ષાએ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે. ત્યારબાદ 16 ઓગષ્ટનાં રોજ જાગૃતિ કાર્યક્રમ તથા 17 ઓગષ્ટથી ગુજરાત સહિત દેશની જુદી જુદી ચાર જગ્યાએથી નીકળનાર શિક્ષાયાત્રા દેશભરમાં પરિભ્રમણ કરશે જે પાંચમી ઓક્ટોબરે નવી દિલ્હી ખાતે પહોંચશે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.