કે.વી.કે. વ્યારા અને NIAM, જયપુરના સંયુક્ત ઉપક્રમે કૃષિ બજાર વિષય ઉપર તાલીમ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર ખાતે તા. ૧૦/૦૮/૨૦૨૩ ના રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રિકલ્ચરલ માર્કેટિંગ (NIAM), જયપુરના સંયુક્ત ઉપક્રમે કૃષિ બજાર વિષય ઉપર તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તાપી જિલ્લાના કુલ ૫૦ પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
નવસારી કૃષિ યુનિવર્સિટીના માન. કુલપતિ શ્રી ડૉ. ઝેડ. પી. પટેલ દ્વારા કૃષિબજાર વ્યવસ્થાપનનો યોગ્ય અમલ કરી ખેતઉત્પાદનોનો યોગ્ય ભાવ મેળવતા થાય અને જૂની પધ્ધતિઓ જે વિસ્તાર આધારિત માર્કેટિંગમાં મહત્વ ધરાવે છે એ જાળવી રાખવા માટે ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા. વધુમાં તેમણે કૃષિલક્ષી પેદાશોના યોગ્ય વેચાણ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-તાપી અને વિસ્તરણ નિયામક કચેરીના કાર્યોને બિરદાવ્યા હતા. ડૉ. એન. એમ. ચૌહાણ, માન. વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, ન. કૃ. યુ. નવસારી દ્વારા કૃષિ ઉત્પાદનોના બજાર વ્યવસ્થાપનની જરૂરીયાતો વિષે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ હલકા ધાન્ય પાકોને ફરીથી તાપી જિલ્લામાં ખેડૂતો વાવણી કરતાં થાય એ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
ડૉ. એસ. આર. સિંઘ, ડેપ્યુટી ડાયરેક્ટર (પિજી), NIAM, જયપુર દ્વારા e-નેશનલ એગ્રીકલ્ચર માર્કેટિંગની ભૂમિકા અને તેમાં આવતા વિવિધ પડકારો વિષે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોએ e-NAM નો કેવી રીતે ઉપયોગ કરવો, ખેડૂતોને આ પ્લેટફોર્મના ફાયદાઓ વિષે વિસ્તૃત સમજણ આપી હતી. વધુમાં તેમણે કૃષિ બજાર વ્યવસ્થાપનમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રોની ભૂમિકા અને મહત્વ વિશે સમજણ આપી હતી. ડૉ. સી. ડી. પંડ્યા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ કાર્યક્ર્મનું મહત્વ સમજાવી કૃષિક્ષેત્રે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેત ઉત્પાદનો વધારવા ખેડૂતોને હાકલ કરી હતી. વધુમાં ડૉ. પંડયાએ પાકોના મૂલ્યવર્ધન થકી ખેત-ઉત્પાદનોનો વધુ ભાવ કેવી રીતે મેળવી શકાય એ વિશે માર્ગદર્શિત કર્યા હતા. ડૉ. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ), દ્વારા કૃષિક્ષેત્રે સોશિયલ મીડિયાના ઉપયોગ કરી બજાર વ્યવસ્થાપન વિશે સમજણ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતો પ્રતિકભાઈ ચૌધરી અને જયશ્રીબેન ચૌધરી દ્વારા પ્રતિભાવો આપવામાં આવ્યા હતા. તેમજ કૃષિ ઉત્પાદનોને કાર્યક્રમના અંતે વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને વૈજ્ઞાનિકશ્રીઓના માર્ગદર્શન બદલ કેવિકે તાપી વતી આભાર વ્યક્ત કર્યો હતો. પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું.