તાપી જિલ્લામાં રાજ્યકક્ષાનો ‘વિશ્વ આદિવાસી દિવસ’ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઉજવાયો
દેશની આઝાદીનો અમૃતકાળ વિકાસનો અમૃત ઉત્સવ બની રહેશે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
——–
રાજ્યના આદિજાતિ જિલ્લાઓને કુલ રૂ.૧૦૫૭ કરોડથી વધુની રકમના ૪૦૩૩ જેટલા વિવિધ વિકાસકામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી
——–
(પ્રતિનિધિ દ્વારા,વ્યારા-) તા.09: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના ગુણસદામાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી પ્રસંગે જણાવ્યું કે, દેશનો આ અમૃતકાળ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસનો અમૃત મહોત્સવ બની રહેશે. સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકાર દરેક સમાજના સર્વાંગીણ વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંતર્ગત રાજ્યના આદિજાતિ જિલ્લાઓને રૂ.૧૦૫૭ કરોડથી વધુ રકમના ૪૦૩૩ જેટલા વિવિધ વિકાસકામોની ભેટ આપી હતી.
તેમણે આદિજાતિ પેટા યોજના અંતર્ગત ૪૧૯ કરોડના ખર્ચે નિર્માણ થનારા ૨૪૪૬ કરોડના કામોના ઈ-ખાતમુહૂર્ત અને રૂ. ૬૩૭ કરોડના ૧૫૮૭ કામોના ઈ-લોકાર્પણ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આદિજાતિ પેટા યોજના અંતર્ગત ૧.૨૫ લાખથી વધુ આદિજાતિ વિદ્યાર્થીઓને રૂ. ૨૧ કરોડથી વધુ શિષ્યવૃત્તિ અને સહાય લાભનું વિતરણ કર્યું હતું તેમજ ૧૮૫૬ કુટુંબોને રૂ.૧૫ કરોડથી વધુના રકમની આવાસ સહાય એનાયત કરી હતી.
તાપી જિલ્લાના સરહદી ગામોની તાજેતરમાં લીધેલી મુલાકાતના સંસ્મરણો વાગોળતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારનો વિકાસ વડાપ્રધાનશ્રીની દીર્ઘદૃષ્ટિને આભારી છે. ખાસ કરીને ઉચ્ચશિક્ષણ અને રમતગમત ક્ષેત્રે આજે જે સિદ્ધિઓ સમાજ જોઈ રહ્યો છે તે વડાપ્રધાનશ્રીના પ્રયાસોને કારણે શક્ય બન્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આદિવાસી ઉત્કર્ષની યોજનાઓની ફળશ્રુતિરૂપે આજે ડોક્ટર, એન્જિનીયર અને પાયલોટ જેવા ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા આદિવાસી સમાજના યુવા વિદ્યાર્થીઓને સહાય મળી રહી છે. અને તમામ ક્ષેત્રે આદિવાસી દીકરા-દીકરીઓ ઉચ્ચ કારકિર્દી ઘડવામાં સફળ રહ્યાં છે તેની પણ ભૂમિકા આપી હતી.
અનેકવિધ વિકાસ યોજનાઓ દ્વારા મળેલા લાભોથી આદિવાસી સમાજનો સર્વાંગીણ વિકાસ થયો છે અને આદિજાતિ વિસ્તારોની કાયાપલટ થઈ છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કરોડો રૂપિયાની બજેટ જોગવાઈ સાથે આ ડબલ એન્જિનની સરકાર વંચિતોના વિકાસ માટે સમર્પિત છે તેમ જણાવતા રાજ્ય સરકાર વતી સૌને ‘વિશ્વ આદિવાસી દિવસ’ની શુભકામનાઓ પાઠવી હતી.
આદિજાતિ શહીદવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી, આઝાદી અને રાષ્ટ્ર વિકાસમાં તેમના ગૌરવશાળી યોગદાનની સ્મૃતિ તાજી કરી હતી. માનગઢ, અને પાલ દઢવાવના ઇતિહાસની ગાથાને પણ તેમણે ઉજાગર કરી હતી.
‘મારી માટી મારો દેશ’ અભિયાન આવા અનેક રાષ્ટ્રભક્તો પ્રત્યે કૃતજ્ઞતાનો અવસર છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, રાજ્ય સરકારે આદિવાસી બાંધવોને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે, વનબંધુ કલ્યાણ યોજના-૨ હેઠળ રૂ.એક લાખ કરોડની માતબર રકમની જોગવાઈ કરી છે. મુખ્યમંત્રીશ્રીના પારદર્શી નેતૃત્વમાં ૧.૦૩ લાખ આદિવાસીઓ-માતા બહેનોને ૧૪ લાખ એકરની જંગલ જમીનના માલિકી હકો આપ્યા છે.
આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા તકસાધુઓની વાતોમાં ન ભરમાવા ભારપૂર્વક જણાવી શ્રી ડીંડોરે વાસ્તવિકતા, અને જમીની હકીકત ચકાસવા હાંકલ કરી હતી. આ સંદર્ભે તેમણે કહ્યું કે, પુરોગામી સરકારોએ વોટબેંકની રાજનીતિથી પ્રેરિત થઈને, આદિજાતિ સમાજને વિકાસના ફળોથી વંચિત રાખવામાં કોઈ કસર છોડી નથી. વર્તમાન સરકારના સુશાસન પહેલાના ૪૦ વર્ષનું બજેટ માત્ર રૂ.૬૫૦૦ કરોડ હતું. જ્યારે અમારી સરકારે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂ.૧૭ હજાર કરોડ માત્ર ૫ વર્ષના બજેટમાં ફાળવ્યા હતા. ઉપરાંત, રાજ્ય સરકારે આદિજાતિઓના સર્વાંગી વિકાસ માટેની ‘વન બંધુ કલ્યાણ યોજના-૨’ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ થી ૨૦૨૫-૨૬ સુધીમાં રૂ. ૧ લાખ કરોડની અંદાજપત્રિય જાહેરાત પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કરવામાં આવી છે એમ જણાવી, રાજ્યના સૌ આદિજાતિ નાગરિકોને આદિવાસી દિનની શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતા આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું કે, રાજ્ય સરકારે આદિવાસીઓના સમગ્રત્તયા વિકાસનો અભિગમ અપનાવી ગુણવત્તાસભર શિક્ષણ, કૌશલ્યવર્ધન સાથે રોજગારી તથા આરોગ્યની પર્યાપ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. રાજ્ય સરકારે જંગલ જમીનના અધિકારો આપવા માટે રાજ્ય સરકારે ૧૭૦૦ થી ૨૦૦૦ સનદ આપવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રાજ્યના કોટવાળીયા સમાજના ૪૦૦૦ જેટલા પરિવારોને આવાસ પૂરા પાડવાનું આયોજન અમારી સરકારે બજેટમાં આવરી લીધું છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકારની સ્પષ્ટ અને હકારાત્મક નીતિના કારણે આદિવાસી બાળકો સિદ્ધિના શિખરો સર કરી રહ્યા છે. આ સંદર્ભે ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, અગાઉ આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ માટેની અનામત સીટો ખાલી રહેતી હતી, જ્યારે આજે સરકારના પ્રયાસોથી સીટો પૂર્ણતયા ભરાય છે. મેડિકલ અભ્યાસ માટે રૂ.૧૫ લાખ અને પાયલોટના અભ્યાસ માટે રૂ.૨૫ લાખની લોનસહાય માત્ર વાર્ષિક ૪ ટકાના વ્યાજ દરે આપી રહી છે. આ પ્રકારની સેંકડો યોજનાઓએ આદિવાસી વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલી આપ્યા હોવાનું શ્રી હળપતિએ ઉમેર્યું હતું.
આદિજાતિ કમિશ્નર શ્રી સુપ્રિત ગુલાટીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આભાર દર્શન કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવો સહિત રાજ્યના આદિજાતિ વિકાસ વિભાગના સંચિવ શ્રી મુરલીક્રિષ્ના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ અને વિશાળ સંખ્યામાં આદિજાતિ પરિવારો સહભાગી થયા હતા.
00000000