તાપી જિલ્લાના પરંપરાગત આદિવાસી જમણનો સ્વાદ માણતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રીશ્રી માટે ખાસ આદિવાસી ભોજન-મિલેટસની વાનગીઓ તૈયાર કરવામાં આવી
–
“ભોજન એટલુ સ્વાદિસ્ટ હતું કે, પેટ ભરાયું પણ મન ન ભરાયું. બહેનોએ ખુબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. આવા જમણવાર માટે તો મારે હંમેશા તાપીમાં જ આવુ પડશે”- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ
–
‘આજે અમે મુખ્યમંત્રીશ્રીને જમાડયા’ – તાપી જિલ્લાના પીએમએવાય અર્બન યોજનાના લાભાર્થી સોનાબેન પવાર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.09: ‘વિશ્વ આદિવાસી દિવસ’ની રાજ્યકક્ષાની ઉજવણી અને ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત રાજ્યવ્યાપી “મારી માટી, મારો દેશ” કાર્યક્રમનો શુભારંભ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે તાપી જિલ્લાથી કરાવ્યો છે.
આજનો દિવસ આદિવાસી બંધુઓ માટે સૌથી ખાસ દિવસ છે. આજના દિવસે મુખ્યમંત્રીશ્રી, બહુલ આદિવાસી જિલ્લા તાપીમાં પધારતા હોય તો પરંપરાગત આદિવાસી જમણવારનો સ્વાદ તો માણવો જ રહ્યો.
રસપ્રદ બાબત એ છે કે, આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે જ્યારે મુખ્યમંત્રીશ્રીને જમવા અંગે પુછવામાં આવ્યું, ત્યારે મુખ્યમંત્રીશ્રીએ પોતે કોઇ એજન્સીને જમણવારનો કોન્ટ્રેક્ટ આપવા કરતા, કોઇ લાભાર્થી આદિવાસી બંધુના ઘરનું ભોજન માણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
સ્વભાવે મૃદુ અને મિતભાષી મુખ્યમંત્રીશ્રીએ આજે સોનગઢ તાલુકાના પીએમએવાય અર્બન યોજનાના *આદિવાસી લાભાર્થી સોનાબેન મગનભાઇ પવાર*ના ઘરે જમણવાર માણ્યું હતું.
મુખ્યમંત્રીશ્રી કાર્યક્રમ પૂર્ણ કરી જયારે લાભાર્થીના ઘરે પધાર્યા ત્યારે, સૌ પ્રથમ તેમણે પીએમએવાય અર્બન યોજના અંતર્ગત, અને પોતાની બચતમાંથી ઉભુ કરેલુ લાભાર્થીનું ઘર જોઇને ખુશ થયા હતા. ફ્રેશ થયા બાદ જ્યારે મુખ્યમંત્રીશ્રી જમવા બેઠા, તો ભોજનમાં કઇંક નવિનતા જોતા તુરંત જ તેઓનું ધ્યાન ભોજનની થાળી ઉપર ગયું હતું. ભોજનની થાડી જોતા સમજી ગયા હતા કે આ પરંપરાગત આદિવાસી જમણ છે. પરંતુ પોતે કાંદા લસણ વગરનું ભોજન જમતા હોઇ, આ અંગે તેમણે લાભાર્થી બેન પાસે ખાત્રી કરી હતી.
ભોજન અંગે લાભાર્થી બહેને જયારે મુખ્યમંત્રીશ્રીને જાણકારી આપી જણાવ્યું હતું કે તેઓના પરિવાર દ્વારા ખાસ આપના માટે પરંપરાગત આદિવાસી જમણવાર તૈયાર કરવામાં આવ્યું છે, ત્યારે મુખ્યમંત્રીશ્રી આ વાત જાણીને ખુબ જ રાજી થયા હતા. સાથે ઉપસ્થિત મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓએ મુખ્યમંત્રીશ્રીને તાપી જિલ્લાની પ્રખ્યાત વાનગીઓ અંગે જાણકારી આપી હતી.
તેમણે દરેક ભોજન સામગ્રીનો સ્વાદ માણી ભરપેટ ભોજન ગ્રહણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી સહિત અન્ય મહાનુભાવોએ પણ તાપી જિલ્લાનો આદિવાસી સ્વાદ માણી જઠરાગ્નીને તૃપ્ત કરી હતી. ભોજન બાદ મુખ્યમંત્રીશ્રીએ બહેનોને મળી તેમણે બનાવેલા ભોજનની સરાહના કરી, પરિવારજનો સાથે યાદગીરીરૂપે તસ્વીરો પણ લેવડાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ પરિવારજનો સાથે વાર્તાલાપ કરતા તેઓને જણાવ્યું હતું કે, “ભોજન એટલુ સ્વાદિસ્ટ હતું કે, પેટ ભરાયું પણ મન ન ભરાયું. ખુબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. આવા જમણવાર માટે તો મારે હંમેશા તાપીમાં જ આવવુ પડશે.”
મુખ્યમંત્રીશ્રીએ હસ્તા હસ્તા આટલી જહેમત ઉઠાવી લાભાર્થી પરીવારે સ્વયં ખાસ તૈયાર કરેલા આદિવાસી ભોજન માટે ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.
*લાભાર્થીના દિકરી હિનાબેન વસાવાએ* આ અનુભવ અંગે જિલ્લા માહિતી કચેરી સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, વિશ્વાસ જ નથી થતો કે અમને ક્યારેક મુખ્યમંત્રીશ્રીને અમારા હાથનું ભોજન જમાડવાનો મોકો મળશે. આજે અમે મુખ્યમંત્રીશ્રીને જમાડયા આ વિચારથી અમે સમગ્ર પરિવાર ખુબ ખુશ છીએ. આટલા સરળ અને નિખાલસ મુખ્યમંત્રી ક્યારેય જોયા નથી. અમે જિલ્લા વહિવટી તંત્રના પણ આભારી રહીશું કે, જેમણે અમારા દેશી આદિવાસી ભોજનને મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુ કરવાની તક આપી.
પોતાના સરળ અને નિખાલસ સ્વભાવ માટે જાણીતા મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગથી ફકત તાપી જિલ્લાની બહેનોને જ નહિ, પરંતુ સમગ્ર ગુજરાતના આદિવાસી બંધુઓ અને આદિવાસી ભોજન જેમા ખાસ કરીને શ્રીઅન્ન/જાળા ધાન્યની લોકપ્રિયતા વધારી છે.
સામાન્ય રીતે લોકો આદિવાસી ભોજનને ખાસ આવકારતા નથી. પરંતું રાજ્યના મુખ્યમંત્રીશ્રી જ્યારે પોતે આ જાળા ધાન્ય જેને અંગેજીમાં મિલેટ્સ કહેવાય છે તેને પોતાના ભોજનમાં શામેલ કરતા હોય, તો ટુંક સમયમાં રાજ્યના તમામ લોકો દ્વારા આ બાબતનું અનુકરણ થશે એ નિશ્વિત છે.
આ વેળાએ તાપી જિલ્લા વહિવટી તંત્રના નિર્ણયોનો ઉલ્લેખ કરવો ઘટે, જેમણે મુખ્યમંત્રીશ્રીને જમાડવાનો લાહવો, એક સામાન્ય પરિવારને આપ્યો, અને આ ક્ષણને તેઓને માટે જીવનભરનું સંભારણું બનાવી દિધો. કદાચીત આવા નિર્ણયોના કારણે જ તાપી જિલ્લો ગુજરાતમાં તમામ બાબતોમાં આગળની હરોળમાં રહેવાની સાથે સૌને સ્મૃતિમા સદા માટે રહે એ સ્વાભાવિક છે.
*મુખ્યમંત્રીના મિલેટસ આદિવાસી ભોજનનું મેનું :*
નાગલીનો રોટલો, ચોખાના આછા રોટલા, ચોખાના બાફેલા રોટલા, જુવારનો રોટલો, વરસાની મોસમમા જ મળતા દેશી કંકોડાનું શાક, અમેરીકા સુધી એક્સપોર્ટ થતા તાપી જિલ્લાના પ્રખ્યાત દેશી ભીંડાનું શાક, દેશી તુવેરની દાળ, અડદની છોડાવાળી દાળ, તુવેર દાળ (આછી), મકાઈનો શીરો, તાપી જિલ્લાના પ્રખ્યાત દેશી લાલ ચોખાનો ભાત, નાગલીનાં પાપડ, છાશ અને લીલા મરચા શેકેલા.
૦૦૦૦૦૦૦૦૦૦