ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોની BLO ની કામગીરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીને રજૂઆત કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રાજ્યનાં પ્રાથમિક શિક્ષકોની બી.એલ.ઓ. તરીકેની કામગીરી બાબતે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચનાં મુખ્ય નિર્વાચન અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
આ સંદર્ભે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ તેમજ અન્ય હોદેદારોએ ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારીની રૂબરૂમાં મુલાકાત કરીને પત્ર પાઠવ્યો હતો. આ લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે નિર્વાચન આયોગનાં પત્ર-૧ અને ૨ થી બી.એલ.ઓ.ની કામગીરી આપવા બાબતે સૂચનાઓ આપવામાં આવેલી છે. પત્ર અનુસાર અન્ય સરકારી, અર્ધસરકારી કર્મચારીઓની બુથ લેવલે નિમણૂંક આપવા જણાવવામાં આવે છે. જે મુજબ પ્રાથમિક શિક્ષકો સિવાય આ કામગીરીમાં અન્ય કર્મચારીઓ જોડાવા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે. આમ છતાં કેટલાંક ગામોમાં અન્ય કેડરનાં કર્મચારી હોવા છતાં પણ પ્રાથમિક શિક્ષકોને બી.એલ.ઓ.ની કામગીરીમાં જોડવામાં આવે છે. હાલમાં નવીન બી.એલ.ઓ.ની કામગીરીનાં હુકમો આપવાની કામગીરી કાર્યરત છે. બીજું કે તાજેતરમાં શિક્ષકોની બદલીઓ થતાં ઘણી જગ્યાએ બી.એલ.ઓ.ની નવી નિમણૂંક કરવાની થાય છે. સંદર્ભદર્શિત પરિપત્ર મુજબ ક્યાંય અન્ય કેડરનાં કર્મચારીઓની નિમણૂંક માટે નામો માંગવામાં આવતા નથી અને માત્ર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસેથી પ્રાથમિક શિક્ષકોનાં નામો માંગવામાં આવે છે. જે બાબતે સંદર્ભદર્શિત પત્રોની સૂચનાનું પાલન કરાવવા અને બી.એલ.ઓ.ની કામગીરી માત્ર પ્રાથમિક શિક્ષકોને ન આપતાં અન્ય કેડરનાં કર્મચારીઓને પણ આપવામાં આવે. રાજ્ય સંઘની આ રજૂઆતને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલે આવકારી હતી. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.