વ્યારા ખાતે સ્પર્શ વાટિકા મા અનોખો જ્ઞાનયજ્ઞ યોજાયો 5 લાખના પુસ્તકોનું જ્ઞાનદાન
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા ખાતે આજે અનોખો જ્ઞાન યજ્ઞ યોજાઈ ગયો. કેટલાક વર્ષોથી આદિવાસી યુવાનો /યુવતીઓમાં જ્ઞાન પીપાસા વધી રહી છે તે ખુબ હકારાત્મક બાબત છે. જિલ્લાના કેટલાક કર્મયોગી કર્મચારીઓ યુવાનોએ અંતરિયાળ ગામોમાં પોતાની રીતે સ્વખર્ચે અને સ્વમહેનતે ચર્ચા વિચારણા કરી સુરત ના માંગરોળ ઉમરપાડા માંડવી તેમજ તાપી જિલ્લાના સાત તાલુકામાં 50 થી વધુ લાઈબ્રેરી શરૂ કરવાનો વિચાર અમલમાં મુક્યો અને સ્થાનિક ફંડ ફાળા માંથી જ મકાનો ઉભા કરી જરૂરી વસ્તુઓ પણ દાનમાં મેળવી પુસ્તકો લાવી જ્ઞાન યજ્ઞ એક વર્ષથી શરૂ કર્યો હતો. નવીન નોકરીમાં જોડાયેલ મુખ્યત્વે ઈજનેર યુવાનોએ આ જ્ઞાન યજ્ઞ મા મુખ્ય ભાગ ભજવ્યો. આઝાદી પહેલા શ્રીમન્ત સરકાર ગાયકવાડી શાશન ના નવસારી પ્રાંત ના આ તાલુકાઓમાં વાંચનાલયો ના બીજ વવાયેલા પડ્યા હતા તે હાલના કર્મઠ કર્મયોગીઓના જ્ઞાન સિંચનના પ્રયાસથી આ વિચાર પુનઃ પ્રગટી ગ્રામીણ લાઈબ્રેરીઓએ આકાર લીધો. ગાંધીનગર ખાતે ફરજ બજાવતા ચીફ ઇલેકટ્રીકલ ઇન્સ્પેક્ટર અને કલેકટર ઓફ ઇલેકટ્રીકલ ડ્યૂટી શ્રી અશ્વિનભાઇ ચૌધરીના માર્ગદર્શન હેઠળ શ્રી બિપીનભાઈ ચૌધરી અને તેમની ટીમ સ્પર્શ લાઈબ્રેરી હેઠળ 11 માસમાં જ ખુબ ઓછા ખર્ચે સ્થાનિક રીતે આ જ્ઞાન પરબો તૈયાર થઈ ગઈ. આ જ્ઞાન સ્પર્શ થકી અનેક યુવાનો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉતીર્ણ થયા અને આ ગરીબ પરિવારોના ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો. આ અદભુત ઘટના તાપી અને સુરતના આદિવાસી તાલુકાઓમાં બની એ યુવાનો માટે આશાસ્પદ ઘટના છે. આજરોજ પૂર્વ કલેકટર તાપી શ્રી આર. જે. પટેલ ના સંકલન થકી સુરતના સેવાભાવી એવા શ્રીમાન અનુભાઈ અને શ્રીમાન જાસમત ભાઈ (એ એન્ડ જે )તરફથી અઢી લાખ ના પુસ્તક દાન થી , સુરત ના સમગ્ર ગુજરાતમાં આવા વર્ગો ચલાવનાર યુવા ઉપનિષદે પચાસ ટકા ખાસ કમિશન આપી પાંચ લાખના પુસ્તકો આપ્યા. આ વિશિષ્ઠ અને સદા સમારંભમાં પૂર્વ કલેકટર તાપી શ્રી આર જે પટેલ, જી પી એસ સી ના પૂર્વ સભ્યશ્રી નાથુભાઈ સોસા પૂર્વ નાયબ શિક્ષણધિકારી શ્રી પરીક્ષિત રાઠોડ , સ્પર્શ ની કર્મયોગી ટીમ, પચાસ લાઈબ્રેરીના સંવાહકો ઉપસ્થિત રહ્યા હતા, આ લાઈબ્રેરીઓ કેવી રીતે તેઓએ બનાવી અને કાર્યરત કરી તે અંગે માહિતી આપવામાં આવી. સ્પર્શી જાય તેવી બાબત એ હતી કે બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામના તદ્દન યુવાન સરપંચ શ્રી અંકિત ચૌધરીને લાઈબ્રેરી બનાવવાનો વિચાર આવ્યો. આ ગામમાં મુખ્ય વસ્તી હળપતીઓની હોવાથી આર્થિક સહયોગ મળે તેમ ન હોવાથી પોતાની નવી મોટર સાયકલ ત્રીસ હજારમા ગીરવે મૂકી લોન લઇ આ લાઈબ્રેરી નું નિર્માણ શરૂ કર્યું અને રોજનું લાવી રોજ ખાતા અનેક હળપતિ પરિવારોએ પણ એક દિવસનો રોજ દાન મા આપ્યો, આ વાત સાંભળી સૌની આંખ ભીની થઈ ગઈ હતી. માંડવી તાલુકાના ઇસર ગામના યુવાન શિક્ષક સુનિલભાઈએ પણ એકસો સત્તાવીશ શિક્ષકોનું ગ્રુપ બનાવી આવી પ્રવૃત્તિઓ શરૂ કરી છે. શ્રી આર. જે. પટેલે પોતાના વિચારણીય સંબોધનમાં જણાવ્યું કે તેઓએ મુખ્યત્વે આદિવાસી જિલ્લાઓમાં ફરજ બજાવી છે અને જે તે જિલ્લાના કર્મયોગી કર્મચારીઓ સાથે આજે પણ સારા સંબંધો રહ્યા છે. વંચીતો, સખી મંડળો અને પર્યાવરણ ના સંવર્ધન માટે તેઓ આજે પણ એક જાહેર સેવક તરીકે ફરજ બજાવે છે. શ્રીમાન નાથુભાઈ સોસાએ જી.પી.એસ.સી.મા આદિવાસી યુવાનોએ કેવી રીતે રૂબરૂ મુલાકાત સફળતાપૂર્વક કરવી જોઈએ તે અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું. તાપી અને સુરત જિલ્લાના આદિવાસી તાલુકાઓમાં સ્વાયંભુ ઉભી થયેલ આ જ્ઞાન માટેની યુવાનોની ચળવળ આખા ગુજરાતની પૂર્વ પટ્ટીમા જ્ઞાનની આહલેક જગાવશે તેવું જણાયું હતું. આ તબક્કે ફરીથી સૌએ ઉભા થઈ ઉપસ્થિત ના રહી શકેલા શ્રીમાન અનુભાઈ અને જશમતભાઈ અને તેઓના પરિવારની તાળીઓ ના ગડગડાટથી આભાર વ્યક્ત કર્યોં હતોઃ અંતમાં રાષ્ટ્ર્રગીત ગાઈ આ બેઠકને અલ્પવિરામ અપાયું હતું. ******************************