કરંજ કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓમાં નેશનલ એજ્યુકેશન પોલીસી સંદર્ભે યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળાયું
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને ત્રણ વર્ષ પૂર્ણ થવા સંદર્ભે નવી દિલ્હી ખાતે બે દિવસીય અખિલ ભારતીય શિક્ષા સમાગમનું આયોજન કરવામાં આવેલ છે. જેનું ઉદઘાટન આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ શહેર અને જિલ્લા સહિત રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં નિહાળવામાં આવ્યુ હતું. જેને પગલે ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, કરંજ સંલગ્ન પ્રાથમિક શાળાઓ કરંજ, પારડીઝાંખરી, મંદરોઇ, નઘોઇ, જીણોદ, કમરોલી, મીંઢી, મોર, ભગવા, મીરજાપોરમાં પણ શાળાનાં બાળકો, શિક્ષકો, શાળા વ્યવસ્થાપન સમિતિનાં સભ્યો તથા વાલીજનોએ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ પ્રસંગે કરંજનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર વિજય પટેલે જણાવ્યું હતું કે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય અને સાથે તેમને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેવાં શુભાશયથી નવી શિક્ષણ નીતિ 2020 ઘડવામાં આવી છે. બાળકો ધોરણ એકથી જ મૂલ્યનિષ્ઠ અને સર્વાંગી શિક્ષણ મેળવે અને સાથે શિક્ષણેતર પ્રવૃત્તિમાં રસ લે એ આ શિક્ષણ નીતિનો પાયાનો ઉદ્દેશ્ય છે.