સુરત જિલ્લાનો અસ્તાન કન્યા વિદ્યાલય બારડોલી ખાતે યોજાયેલ પ્રાથમિક શિક્ષકોનો એકતરફી જિલ્લા ફેરબદલી કેમ્પ સંપન્ન
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : બારડોલીની અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે રાજ્યનાં અન્ય જિલ્લામાંથી સુરત જિલ્લામાં આવનાર ધોરણ 1 થી 5 તેમજ ધોરણ 6 થી 8 નાં શિક્ષકોનો એકતરફી બદલી કેમ્પ અનુક્રમે તારીખ 26 અને 27 જુલાઈનાં રોજ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભાવેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ ભાવિનીબેન પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિનાં અધ્યક્ષ રોહિતભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.દિપકભાઈ દરજી તથા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.એ.વસાવાની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કેમ્પમાં સ્મિતાબેન દેસાઈ, હર્ષદભાઈ ચૌધરી, દરેક તાલુકાનાં પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, દરેક તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ, મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. પ્રારંભે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.દિપકભાઈ દરજીએ પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આ સમગ્ર કેમ્પ બિલકુલ પારદર્શક રીતે યોજાઈ રહ્યો છે. આમ છતાં શિક્ષક ભાઈ-બહેનોને કોઈપણ મૂંઝવતો પ્રશ્ન હોય તો તેનો રૂબરૂમાં ઉકેલ લાવવા તેમણે જાહેર કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે તમામ ખાલી જગ્યાઓ ડિજિટલ બોર્ડ ઉપર ડિસ્પ્લે કરવામાં આવી હતી. જેમાં શિક્ષકોએ પોતાની પસંદગીની શાળા પર મહોર મારી હતી. સદર કેમ્પનાં પ્રથમ દિવસે સમગ્ર જિલ્લાની ધોરણ 1 થી 5 ની 301 જગ્યા પૈકી 214 જગ્યા માટે જ્યારે બીજા દિવસે ધોરણ 6 થી 8 સામાજિક વિજ્ઞાનની 130, ભાષાની 71 જ્યારે ગણિત-વિજ્ઞાન વિષયની 59 જગ્યા માટે સ્થળ ઉપર જ ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ઓર્ડર આપવામાં આવ્યા હતાં. આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ પોતપોતાનાં ઉદબોધનમાં સુરત જિલ્લામાં આગંતુક શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ કે જેઓ હાલ વિદેશ પ્રવાસે હોઇ તેમણે ટેલીફોનિક વાતચીતમાં બદલી પ્રક્રિયામાં જોડાયેલ તમામ અધિકારી-પદાધિકારીઓ તેમજ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારોનો આભાર વ્યક્ત કરી સુરત જિલ્લામાં બદલીથી આવનાર શિક્ષકોને શુભેચ્છા પાઠવી હતી.
કેમ્પને સુપેરે પાર પાડવા માટે બારડોલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળવંતભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ તથા તેમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કામરેજ તાલુકાની કોસમાડી પ્રાથમિક શાળાનાં આચાર્ય યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું. ખાલી પડેલ જગ્યા માટે કેમ્પનો બીજો તબક્કો તારીખ 31/7/2013 નાં રોજ પુનઃ ઉપરોક્ત સ્થળે યોજાશે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.