એગ્રોફોરેસ્ટ્રી વિષય ઉપર તાડકુવા ખાતે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ

Contact News Publisher

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આધુનિક યુગમાં વધતું જતું યાંત્રિકીકરણ , ઉદ્યોગીકરણ , કપાતા જતાં જંગલો તેમજ વધતી જતી વસ્તીના પગલે ગ્લોબલ વોર્મિંગ અને ફૂડ સીકયોરીટી જેવી અનેક સમસ્યાઓ ઉભી થઈ છે . આ કારણે ખેડૂતોને વૃક્ષોનો વ્યાપ વધારવા તેમજ આ થકી તેમની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે વનચેતના કેન્દ્ર , તાડકુવા , વ્યારા , જિ . તાપી ખાતે સામાજિક વનિકરણ વિભાગ – સુરત રેંજ – વ્યારા , સોનગઢ , ઉચ્છલ , વાલોડ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારાના સંયુકત ઉપક્રમે નેશનલ સબ એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત ખેડૂત તાલીમ – શિબિર યોજવામાં આવી હતી . જેમાં તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારાના બાગાયત વૈજ્ઞાનિક ડૉ . ધર્મિષ્ઠા પટેલ , રેન્જ ફોરેસ્ટ અધિકારીશ્રી હર્ષિદા એસ . ચૌધરી ( વ્યારા ) , શ્રી બી . એમ . પરમાર ( સોનગઢ ) , શ્રી બી . આર . દવે ( ઉચ્છલ ) , શિલ્પાબેન દેશમુખ ( મહુવા ) , શ્રી બી . એમ . પરમાર તેમજ કુલ ૧૭ વનરક્ષક , વનપાલ અને બીટગાર્ડ હાજર રહ્યા હતા . આ સાથે તાપી જિલ્લાના કુલ ૨૫૪ ખેડૂત ભાઈઓ તથા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો .
કાર્યક્રમની શરૂઆતમાં અતિથિ વિશેષશ્રી દ્વારા દિપ પ્રાગટય કર્યા બાદ શ્રી બી . એમ . ચૌધરી , વનપાલ , પાનવાડીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું . શ્રી બી . એમ . પરમાર , રેન્જ ફોરેસ્ટ અધિકારીશ્રી , સોનગઢ દ્વારા કાર્યક્રમને અનુરૂપ યોજનાકીય માહિતી આપવામાં આવી હતી . જેમાં એગ્રોફોરેસ્ટ્રીની જુદી જુદી યોજનાઓ વિશેનો ઉલ્લેખ કરી વિગતવાર માહિતી આપવામાં આવી હતી .
ડૉ . ધર્મિષ્ઠા પટેલ ( બાગાયત વૈજ્ઞાનિક ) , કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારા , જિ . તાપી દ્વારા એગ્રોફોરેસ્ટ્રી વિશેની વિસ્તૃત તાંત્રિક માહિતી આપવામાં આવી હતી . જેમાં એગ્રોફોરેસ્ટ્રીનો હેતુ , જુદા – જુદા પ્રકારો , આર્થિક રીતે ઉપયોગી ફળઝાડ અને વનવૃક્ષો , તેના ફાયદાઓ તેમજ સામાજિક , આર્થિક અને પર્યાવરણમાં તેના મહત્વ વિશેની સમજ આપી ખેડૂતોને વૃક્ષોનો વ્યાપ વધારવા ઉપર ભાર મૂકયો હતો .
ત્યારબાદ તાપી જિલ્લાના ખેડૂતોએ કાર્યક્રમ અંગેના પ્રતિભાવો રજૂ કર્યા હતા . અંતમાં , શ્રી બી . એમ . પરમાર , રેન્જ ફોરેસ્ટ અધિકારીશ્રી , સોનગઢ દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો હતો .

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *