તાપીના પ્રવાસન સ્થળો ઉપર સહેલાણીઓ માટે આકર્ષક ઈનડોર ગેમ એક્ટિવિટી શરૂ કરાશે.: કલેકટર ડો.વિપિન ગર્ગ

Contact News Publisher

તાપી કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિ બેઠક યોજાઈ

(માહિતી બ્યુરો વ્યારા-તાપી) તા.૨૧- તાપી જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે જિલ્લા પ્રવાસન વિકાસ સમિતિની બેઠક તા.૨૦ જુલાઈના રોજ સાંજે ૪ કલાકે કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઇ વસાવા,ધારાસભ્યશ્રીઓ ડો.જયરામભાઈ ગામીત,મોહનભાઇ કોંકણી,મોહનભાઈ ઢોડિયાની ઉપસ્થિતિમાં કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી. જેમાં તાપી જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ માટે અમલીકરણ અધિકારીશ્રીઓ સાથે વિકાસ કામોની સમીક્ષા હાથ ધરાઈ હતી.
તાપી જિલ્લાના પ્રવાસન સ્થળોના વિકાસ અને સહેલાણીઓના આકર્ષણ માટે કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે પ્રવાસન સ્થળો ઉપર ઈનડોર ગેમ કેરમ,ચેસ વિગેરે રમી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવા અમલીકરણ અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું. વધુમાં તાપી જિલ્લાની શાન એવા સોનગઢના ઐતિહાસિક કિલ્લા ઉપર મહારાજા શિવાજી મહારાજનો ઈતિહાસ લોકોને જાણવા મળે તે માટે પ્રવાસીઓ માહિતીગાર થાય તેવા સાઈનબોર્ડ મુકવા જણાવ્યું હતું. વધુમાં પાર્કિંગ એરિયા સહિત પ્રવાસન સ્થળોની જાળવણી, સ્વચ્છતા વિગેરે ગ્રામ પંચાયતો સાથે મુલાકાત કરી સ્થાનિક લોકોની સમિતિ બનાવી સારસંભાળ રાખવા કલેકટરશ્રી ગર્ગે અનુરોધ કર્યો હતો તેમજ પ્રવાસીઓ પાસે એન્ટ્રી ફી,પાર્કિંગ ફી વિગેરે પ્રવાસન સમિતિમાં મંજૂર કરાવી વસુલવા માટે સૂચન પણ કર્યું હતું.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સૂરજભાઈ વસાવાએ ધારેશ્વર અને તાપીખડકા ખાતે રીવરફ્રન્ટ બનાવી દરખાસ્ત રજુ કરવા જણાવ્યું હતું. જે બાબતે કલેકટરશ્રી ડો.વિપિન ગર્ગે રીવરફ્રન્ટ ઉપર આવતા પ્રવાસીઓના ફોટોગ્રાફ્સ સહિત કેટલા અંતરે આવેલું છે જેની વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચન કર્યું હતું.
૧૭૧- વ્યારા ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ ઈકો ટુરિઝમ સેન્ટર ઘુસ્માઈ માડી,પદમડુંગરી ખાતે પ્રવાસીઓ પાસેથી રોજીંદા રૂા.૨૦ અને શનિ-રવિ માટે રૂા.૫૦ વસુલવામાં આવતા દરની અસમાનતા રજુ કરી હતી. જેથી પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો થવાની રજૂઆત કરી હતી. જે બાબતે કલેકટરશ્રીએ સમિતિમાં મંજૂર કરાવી વસુલાત કરવા વનવિભાગને સૂચના આપી હતી.
૧૭૨-નિઝર ધારાસભ્યશ્રી ડો.જયરામભાઈ ગામીતે થુટી-સેલુડ-નાનછલ પ્રવાસન સ્થળોને વિકસાવવા અનુરોધ કર્યો હતો. જ્યારે ૧૭૦- મહુવા ધારાસભ્યશ્રી મોહનભાઈ ઢોડિયાએ બુહારી તળાવના બ્યુટીફિકેશન માટે રચનાત્મક સૂચનો આપ્યાં હતા. તેમજ આર્કિટેક સહિત સ્થાનિક લોકોને સાથે રાખીને બુહારી તળાવને રળિયામણું બનાવવા રજૂઆત કરી હતી. સાથે સાથે વિકાસ કામના પ્રમાણમાં ખર્ચનું સમયસર ચૂકવણુ પણ થાય તો કામગીરી ઝડપથી પૂર્ણ થઈ શકે એમ જણાવ્યું હતું.
નિવાસી અધિક કલેકટર આ.જે.વલવીએ પ્રવાસન સ્થળોની માહિતી આપતા કહ્યું હતું કે ઈકો ટુરીઝમ આંબાપાણી અંદાજીત રૂા.૨૯૬.૬૭ લાખ કામગીરીના અનુસંધાને ખર્ચ ૨૭૬.૬૫ લાખ,ડોસવાડા ડેમ ૧.૭૩ કરોડ પૈકી સીવીલ વર્ક ૧૨૬ લાખ અને ઈલેકટ્રીકલ વર્ક રૂા.૧૫.૪૩ લાખ ખર્ચ, કર્દમેશ્વર મહાદેવ મંદિર,બાલપુર કુલ ગ્રાન્ટ રૂા. ૨.૨૧ કરોડ પૈકી ખર્ચ રૂા.૧.૭૩ કરોડ, ઈકો ટુરીઝમ સેન્ટર ગુસ્માઈ માડી મંદિર પદમડુંગરી કુલ ગ્રાન્ટ રૂા.૧.૯૪ કરોડ પૈકી રૂા.૧.૨૪ કરોડ ખર્ચ, રામચંદ્રજી બિલ્કેશ્વર મંદિર બુહારી માટે કુલ ગ્રાન્ટ રૂા.૧.૯૬ કરોડ પૈકી રૂા.૧.૩૪ કરોડ ખર્ચ જેમાં બાકી રહેતી કામગીરી માટે રીનોવેશન, કંપાઉન્ડવોલ, ગેટ-૨, મંદિર શિખરની કામગીરી માટે ટેન્ડરીંગ કરવામાં આવેલ છે. બુહારી તળાવ ના વિકાસ માટે કુલ ગ્રાન્ટ રૂા.૨૦૦ લાખ પૈકી વર્ક ઓર્ડર મુજબ કામગીરી ખર્ચ રૂા.૧.૩૬ કરોડ જેમાં ૨૧.૮૩ લાખનો રકમના જથ્થામા; વધારો થતા સ્ટેટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ચકાસણી કરવાતા રૂા.૨૦.૫૩ વધારો થયેલ છે. જેથી કુલ ખર્ચ રૂા.૧.૫૭ કરોડ થવા પમેલ છે.સોનગઢ કિલ્લો કુલ ગ્રાન્ટ રૂા.૪ કરોડ પૈકી ૨.૬૦ કરોડ ખર્ચ થયેલ છે. જેના ફીનીશિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ કામગીરીના આર્કિટેક્ટ બેઠકમાં ઉપસ્થિત રહેતા ન હોય તેઓની નિમણૂંક રદ કરી નિયમાનુસાર કાર્યવાહી કરવા કલેકટરશ્રીએ તાકીદ કરી હતી.
આ બેઠકમાં નગરપાલિકા પ્રમુખ શ્રીમતિ સેજલબેન રાણા, વન વિભાગના મદદનીશ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજ, સ્ટે અને પંચાયત માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેરશ્રીઓ મનિષ પટેલ,ધર્મેશ પટેલ સહિત અમલીકરણ અધીકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other