સમગ્ર દેશમાં સૌથી વધુ બ્લડ ડોનેશન મેળવવા બદલ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય શાખાને ભારતના રાષ્ટ્રપ્રમુખ મહામહીમ શ્રીમતી દ્રોપદી મુર્મુના વરદ્ હસ્તે એવાર્ડ મળ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતના મહામહીમ રાષ્ટ્રપ્રમુખ તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના અધ્યક્ષ શ્રીમતી દ્રોપદી મુર્મુના અધ્યક્ષ સ્થાને ઈન્ડિયન રડક્રોસ સોસાયટીની એન્યુઅલ જનરલ મીટીંગ નવી દીલ્હી ખાતે તા.૧૭-૦૭-૨૦૨૩ ના રોજ યોજવામાં આવી હતી. સમગ્ર ભારતના ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના રાજય એકમોના પ્રતિનિધિઓ સભામાં ઉપસ્થિત રહયાં હતા. રેડક્રોસના વિવિધ એકમો દ્વારા વિવિધ પ્રવૃત્તિમાં ઉત્તમ કામગીરી કરવા બદલ જે તે એકમોને મહામહીમ રાષ્ટ્રપ્રમુખ દ્વારા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતાં.
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજયમાં બ્લડ ડોનેશનની કામગીરી, બીજી અનેક પ્રવૃત્તિઓની સાથે નેત્રદીપક રીતે થઈ રહી છે. સમગ્ર દેશમાં સૌથી વધુ બ્લડ ડોનેશન મેળવવા બદલ મહામહીમ રાષ્ટ્રપ્રમુખના હસ્તે ગુજરાત રાજય શાખાને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ભારત સરકારના આરોગ્યમંત્રી ર્ડા. મનસુખભાઈ માંડવીયાની હાજરીમાં, ગુજરાત રાજય રેડક્રોસ સોસાયટીના વાઈસ ચેરમેન શ્રી ર્ડા.અજયભાઈ દેસાઈએ આ એવાર્ડ સ્વીકાર્યો હતો. આનંદ અને ગૌરવની વાત એ છે કે ડૉ. અજયભાઈ દેસાઈ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તાપી ડિસ્ટ્રીકટ બ્રાંચના સેક્રેટરી પણ છે.