તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ૯૫માં ICAR ફાઉન્ડેશન દિવસની ઉજવણી કરાઇ

Contact News Publisher

માહિતી બ્યુરો,તાપી. તા.૧૯ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, ન્યુ દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ડો. સી. ડી. પંડયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાના માર્ગદર્શન હેઠળ તા.૧૬/૦૭/૨૦૨૩ થી ૧૮/૦૭/૨૦૨૩ સુધી ૯૫માં ICAR ફાઉન્ડેશન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ ત્રણ દિવસની ઉજવણી દરમિયાન ડાંગરની વૈજ્ઞાનિક ખેત પધ્ધતિ, ચોમાસું પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ તથા ડાંગરના પાકમાં નિંદણ વ્યવસ્થાપન વિષયો ઉપર અનુક્રમે કિસાન ગોષ્ઠી, મહિલા શિબિર અને ખેડૂત વૈજ્ઞાનિક ચર્ચા યોજાઇ હતી. જેમાં કૃષિ તજજ્ઞો દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં તાપી જિલ્લાના ૧૫૨ ખેડૂત ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડયાએ કાર્યક્રમનું મહત્વ સમજાવ્યું હતું. વધુમાં ડૉ. પંડયાએ તાપી જિલ્લામાં પ્રવર્તમાન ખેતી પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપી ખેડૂતોને કૃષિક્ષેત્રે આધુનિક પધ્ધતિઓ અપનાવવા હાકલ કરી હતી.
ડૉ. વી. પી. પટેલ, સહસંશોધન વૈજ્ઞાનિક અને વડા, પ્રાદેશિક ચોખા સંશોધન કેન્દ્ર, વ્યારા એ બાયોફોર્ટિફાઇડ ડાંગરની જાતો વિશે વિસ્તૃત સમજણ આપી હતી. ડૉ. અર્પિત જે.ઢોડિયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ)એ કૃષિલક્ષી નવીન ટેકનોલોજીઓ અને વિવિધ કૃષિલક્ષી યોજનાઓ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપી કૃષિક્ષેત્રે ICT ટુલ્સનું મહત્વ સમજાવ્યું હતું. ડૉ. એચ. આર. જાદવ, વૈજ્ઞાનિક પાકસંરક્ષણ દ્વારા ચોમાસું પાકોમાં આવતા રોગ-જીવાતો અટકાવવાના ઉપાયો વિશે તેમજ પ્રાકૃતિક ખેતીમાં પાકસંરક્ષણના આયામો સમજાવવામાં આવ્યા હતા. ડૉ. ધર્મિષ્ઠા એમ. પટેલ, વૈજ્ઞાનિક (બાગાયત)એ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ભલામણ કરેલ નવીન ટેક્નોલોજીઓ વિશે માર્ગદર્શન આપી શાકભાજી પાકોમાં NOVEL ઓર્ગનીક પોષક તત્વોનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. પ્રો. કે. એન. રણા, વૈજ્ઞાનિક (પાકઉત્પાદન)એ ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. બાયર ક્રોપ સાયન્સ, લિમીટેડના અધિકારીશ્રી જેમિસભાઈ સવાણીએ વિવિધ નિંદણ નિયંત્રક દવાઓ વિશે ખેડૂતોને અવગત કર્યા હતા.

કાર્યક્રમમાં નવસારી કૃષિ યુનિવર્સિટીની ભલામણ કરેલ જુદી જુદી ટેક્નોલોજીઓનું પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. તેમજ આંતરરાષ્ટ્રીય હલકા ધાન્ય વર્ષ-૨૦૨૩ની ઉજવણી અંતર્ગત હલકા ધાન્યોની સુધારેલ જાતોના કૃષિ પ્રદર્શનો ગોઠવવામાં આવ્યા હતા. સમગ્ર તાલીમનું સફળ સંચાલન કેવિકેના વિસ્તરણ વિભાગના વૈજ્ઞાનિક ડૉ. અર્પિત જે. ઢોડિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.

0000000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other