તાપી જિલ્લામાં ચોમાસુ બેસતા અત્યાર સુધી ૩૬૪૧૯ હેકટરમાં વાવેતર પૂર્ણ થયું
આવી વર્ષાની મોસમ, લાવી ઉત્સવની મોસમ
સૌથી વધુ ૧૦,૭૭૯ હેકટર વાવેતર નિઝર તાલુકામાં થયું
–
ખેતરમાં ઠેર-ઠેર રોપણી કરતા અને રોપણીની સાથે પરંપરાગત ગીતો ગાતા આદિવાસી બાંધવો
–
છત્રીની ગરજ સારતી વાંસમાંથી બનાવેલી ગૂંગળીની જગ્યાએ પ્લાસ્ટીકના રંબેરંગી રેઇનકોર્ટ પહેરીને રોપણીમાં વ્યસ્ત ગ્રામજનો
માહિતી બ્યુરો, તાપી તા.૧૫: વર્ષા ઋતુ એટલે ઉત્સવની ઋતુ કહી શકાય. મેઘરાજાની મહેર થતા જ દેશનો ‘તાત’ એવો ‘ખેડૂત વર્ગ’ રોપણીમાં પરોવાઇ જાય છે. આ ઋતુ દરમિયાન ખાસ કરીને આદિવાસી સમાજ દ્વારા વરૂણદેવને રિઝવવા અને વરસાદ સારો રહે તે માટે અનેક પરંપરાગત રીત રીવાજો, પરંપરાઓ, ભાવભક્તિ સાથે પાડવામાં આવે છે.
ક્યાંક રોપણી કરતા-કરતા પરંપરાગત ગીતો પણ ગાવામાં આવે છે. વરસતા વરસાદમાં છત્રીની ગરજ સારતી વાંસમાંથી બનાવેલી ગૂંગળીનો ગ્રામીણ ખેડૂતો ઉપયોગ કરે છે. આજના યુગમાં પરંપરાગત ચીજ વસ્તુઓ ક્યાક ભુલાઇ ગઇ છે, અને આધુનિક વસ્તુઓએ તેની જગ્યા લઇ લીધી છે. જેના કારણે હવે ગૂંગળીની જગ્યાએ, પ્લાસ્ટીકના રંબેરંગી રેઇનકોર્ટ પહેરીને લોકો રોપણીમાં વ્યસ્ત થયા છે. આ નજારો આજે તાપી જિલ્લામાં ઠેર ઠેર જોવા મળી રહ્યો છે.
તાપી જિલ્લામાં અનરાધાર વરસાદની સાથે ચોમાસાની ઋતુનો પ્રારંભ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઇ છે. મેઘરાજા મન મૂકીને વરસતાં ધરતીપુત્રોએ વાવણીની પ્રક્રિયા આરંભી છે.
હાલ તાપી જિલ્લામાં ખેડૂતો દ્વારા ડાંગર, બાજરી, મકાઇ, તુવેર, કપાસ, સોયાબીન અને શાકભાજી સહિતની રોપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. તાપી જિલ્લામાં હાલ ૩૬,૪૧૯ હેકટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે.
તાપી જિલ્લાની પરિસ્થિતી જોઇએ તો છેલ્લા ત્રણ વર્ષનો સરેરાશ વાવેતર ૧,૧૨,૯૫૩ હેકટર છે. જેની સામે આ વર્ષે રોપણીની શરૂઆત થતા ૩૬,૪૧૯ હેકટર વિસ્તારમાં વાવેતરની કામગીરી ખેડૂમિત્રો દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે.
ચાલુ વર્ષે તાપી જિલ્લામાં જૂન માસથી જ ચોમાસાનો પ્રારંભ વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી થતા ધરતીપુત્રો વાવણીમાં જોતરાયા છે. જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન ખરીફ પાકોમાં ડાંગર, જુવાર, મકાઇ, તુવેર, મગ, અડદ, મગફળી, કપાસ, સોયાબીન, વિવિધ શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થયું છે.
જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કુલ-૧૧,૬૯૯ હેકટરમાં, અને સૌથી ઓછું અડદ કુલ-૧૬૯ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે.
પાક અનુસાર જોઇએ તો, તાપીએ જિલ્લામાં સૌથી વધુ કપાસનું વાવેતર કુલ-૧૧,૬૯૯ હેકટરમાં, ડાંગરનું વાવેતર કુલ-૭,૪૨૮ હેકટર, સોયાબીન કુલ-૪,૬૮૯ હેકટરમાં, જુવાર કુલ-૪,૧૪૮ હેકટર, તુવેર કુલ-૩,૯૬૫ હેક્ટર, શાકભાજી કુલ-૨,૨૩૬ હેક્ટર, ઘાસચારો કુલ-૭૦૮ હેકટર, મકાઇ કુલ-૬૯૧ હેક્ટર, મગફળી કુલ-૬૭૯ હેક્ટર, જયારે અડદ કુલ-૧૬૯ હેક્ટર વિસ્તાર મળી વર્ષ -202૩-202૪ના ખરીફ પાકોનું વાવેતર થયું છે.
તાપી જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી ચેતન ગરાસીયા દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર તાપી જિલ્લામાં તાલુકાવાર જોઇએ તો સૌથી વધુ ૧૦,૭૭૯ હેકટર વાવેતર નિઝર તાલુકામાં થયું છે. તો ૮,૪૩૮ હેક્ટર કુકરમુંડા તાલુકામાં, ૫,૪૭૭ હેકટર ઉચ્છલ તાલુકામાં, ૯૦૨ હેકટર ડોલવણ તાલુકામાં, ૭,૬૯૩ સોનગઢ તાલુકામાં, ૨,૮૬૮ હેકટર વ્યારા તાલુકામા, અને ૨૬૨ હેકટર વાલોડ તાલુકામાં વાવેતર થવા પામ્યું છે.
સંકલન-વૈશાલી પરમાર
૦૦૦૦૦૦૦૦૦૦૦