પાલ ગામની શ્રી કે.વી. પાલવાળા શાળા ક્રમાંક 319માં શાળા સંસદની ચૂંટણી યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સુરત શહેરની પાલ ગામની શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા પ્રાથમિક શાળા ક્રમાંક 319 માં શાળા સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓમાં લોકશાહીની ચૂંટણી પ્રક્રિયાનું પ્રત્યક્ષ નિદર્શન થાય તે હેતુથી શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવી. જેમાં ઇ.વી.એમ. મશીન, પોલિંગ ઓફિસર, મતકુટીર વગેરે આબેહૂબ બનાવી ચૂંટણી પ્રચાર અને આચારસંહિતા સહિતની બાબતો સાથે આ ચૂંટણી યોજવામાં આવી. ચૂંટણીમાં કુલ આઠ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી. મત મેળવવા માટે પ્રચાર પ્રસાર પણ કર્યો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું. પરિણામે સમગ્ર શાળાનાં મહામંત્રી તરીકે અભિષેક યાદવ અને સહમંત્રી તરીકે કુમારી ભૂમિકા રાઠોડ ચૂંટાયેલા જાહેર થયા.
ચૂંટણી અધિકારી અર્ચનાબેન અને નીમાબેન દ્વારા આયોજનપૂર્વક આખી ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરાઈ હતી. શાળાનાં આચાર્ય પ્રકાશભાઈએ વિજેતા ઉમેદવારોને જીત બદલ અને ચૂંટણીનાં સફળ આયોજન બદલ ચુંટણી અધિકારીઓને અભિનંદન પાઠવ્યાં હતાં .