બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ ખાતે નિપુણ ભારત મિશન અંતર્ગત બેઝલાઇન સર્વે અંગેનો વર્કશોપ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 નાં સંદર્ભે વર્ષ 2026 સુધીમાં ધોરણ 3 માં અભ્યાસ કરતાં તમામ બાળકો પાયાની સાક્ષરતા અને ગણનનાં નિર્ધારિત કરેલ કૌશલ્યો અને લક્ષ્યાંકો સુધી પહોંચે તે માટે સમગ્ર રાષ્ટ્ર તેમજ રાજ્યમાં નિપુણ ભારત મિશન શરૂ કરવામાં આવેલ છે. જે સંદર્ભે ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત માર્ગદર્શિત નિપુણ ભારત મિશન અંતર્ગત બેઝલાઇન સર્વે 2023 અંગેનો વર્કશોપ બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં ઓલપાડ તથા કામરેજ તાલુકાનાં બી.આર.સી. તથા સી.આર.સી. કો-ઓર્ડિનેટરોએ ભાગ લીધો હતો.
સદર વર્કશોપમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરતનાં સિનિયર લેક્ચરર અને તાલુકાનાં લાઇઝન ઓફિસર ગીતાબેન વાંસીયાએ પોતાની તજજ્ઞ તરીકેની ભૂમિકામાં બેઝલાઇન સર્વે 2023 અંગે સૌને વિગતવાર સચોટ માહિતી પ્રદાન કરી હતી. તેમણે બેઝલાઇન શા માટે, કોનાં માટે, કેવી રીતે તેમજ તેનાં અમલીકરણ અને મહત્વ તથા શૈક્ષણિક ઉપચારાત્મક કાર્ય બાબતે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી.
યજમાન બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે આ અંગે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે રાજ્યની તમામ પ્રાથમિક સરકારી, ગ્રાન્ટ-ઇન-એઇડ તેમજ ખાનગી શાળાઓ તેમજ તમામ માધ્યમની શાળાઓનાં ધોરણ 1 થી 4 માં અભ્યાસ કરતાં બાળકોનો બેઝલાઇન સર્વેક્ષણમાં સમાવેશ કરવામાં આવશે. આ સર્વે તા.15 જુલાઈથી તા.25 જુલાઈ દરમિયાન હાથ ધરવામાં આવશે. પ્રારંભે પિંજરતનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર પરેશ પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. અંતમાં આભારવિધિ સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ આટોપી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.