ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉચ્ચતર પગાર ધોરણનાં વિકલ્પ બાબતે રાજ્યનાં નાણામંત્રીને રજૂઆત કરવામાં આવી
(પ્રતિનિધિ દ્વારા,સુરત) : સમગ્ર રાજયમાં ઉચ્ચત્તર પગાર ધોરણ સ્વીકારતી વખતે શિક્ષકોએ ક્યારથી ઉ.પ.ધો. લેવા માંગે છે તે બાબતનાં વિકલ્પ આપવાનાં થતાં હોય છે. જે તે વખતે શિક્ષકોને કયો વિકલ્પ લેવાથી ફાયદો થશે કે નુકસાન થશે તે બાબતની માહિતી ન હોવાનાં કારણે ખોટા વિકલ્પ સ્વીકારાતાં ઘણાં શિક્ષકોને ઉ.૫.ધો. મંજૂર થતાં આર્થિક નુકસાન થવા પામેલ છે. આ બાબતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ દ્વારા રાજ્યનાં નાણામંત્રી કનુભાઈ દેસાઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
આ પત્રમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા મહામંત્રી સતિષભાઈ પટેલે સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું કે ૧૯૯૯ માં ભરતી થયેલ શિક્ષકને નિવૃત્તિ સમયે પૂરા પગારનાં બે વર્ષનાં સમયગાળામાં સમાવતા પ્રથમ ઉ.પ.ધો.નો લાભ ૨૦૧૦ નાં વર્ષમાં મળેલ હતો. તેવા શિક્ષકોને ૭ માં પગારપંચ મુજબ પગાર બાંધણી થતાં તા. ૧-૧-૨૦૧૬ નાં રોજ ૪૪૯૦૦ ૫ગાર નક્કી થયેલ હતો. પરંતુ આજ શિક્ષકને ફિક્સ પગારની સેવા સળંગ ગણાવાનો ઠરાવ થતાં તેને ર૦૦૮ માં પ્રથમ ઉ.પ.ધો. તેમની મૂળ તારીખથી રીવાઈઝ કરતાં તેમને તા. ૧-૧-૨૦૧૬નો પગાર ૪૩૬૦૦ નક્કી થઈને આવેલ છે. આવા શિક્ષકોને પ્રથમ ઉ.પ.ધો. વખતે તેમની મૂળ તારીખનાં બદલે તા. ૧/૭ નો વિકલ્પ આપવામાં આવે તો તેમને આર્થિક નુકશાન ન થાય.
આજ પ્રકારની અલગ અલગ ભરતીનાં શિક્ષકોને પ્રથમ ઉ.પ.ધો. તથા દ્વિતીય ઉ.પ.ધો.માં પણ ખોટો વિકલ્પ પસંદ કરવાનાં કારણે આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ સંદર્ભે વધુમાં જણાવાયું હતું કે મોટાભાગનાં કિસ્સામાં સળંગ સિનિયોરીટીનો લાભ મળવાનાં કારણે વિકલ્પ બદલવાની જરૂરીયાત ઉભી થયેલ છે. જેથી આવા શિક્ષકોને એકવખત વિકલ્પ બદલવાની મંજૂરી આપવામાં આવે. રાજ્ય સંઘની સદર રજૂઆતને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી સહિત કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ દ્વારા આવકારવામાં આવેલ છે. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.