આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ અંતર્ગત યોજાયેલ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ઓલપાડનાં બાળકોએ સિધ્ધિ હાંસલ કરી
(પ્રતિનિધિ દ્વારા, સુરત) : આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસની ઉજવણીનાં ભાગરૂપે રાજ્યભરમાં નશામુક્ત ભારત પખવાડિયાની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સુરત ગ્રામ્ય તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, સુરતનાં માર્ગદર્શન હેઠળ દરેક તાલુકાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતાં ધોરણ 6 થી 8 નાં બાળકોએ સહર્ષ ભાગ લીધો હતો. તાલુકા કક્ષાની સ્પર્ધાઓ બાદ યોજાયેલ જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ પૈકી ચિત્રકામ/પોસ્ટર સ્પર્ધામાં કુદિયાણા પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થી રિશી પટેલે પ્રથમ ક્રમે, એક મિનિટ વીડિયોમાં આજ શાળાની વિદ્યાર્થીની હની પટેલે દ્વિતીય ક્રમે જ્યારે સરોલી પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની વંદના રાઠોડે તૃતિય ક્રમે વિજેતા બની ઓલપાડ તાલુકાનું ગૌરવ વધાર્યું હતું.
બારડોલીની ઉકા તરસાડિયા યુનિવર્સિટી, માલીબા કેમ્પસ ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યો સંદીપભાઈ દેસાઈ, ગણપતભાઈ વસાવા સહિતનાં મહાનુભવોની ઉપસ્થિતિમાં યોજાયેલ એક વિશેષ કાર્યક્રમમાં વિજેતા બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતાં. તાલુકાનાં આ ત્રણેય પ્રતિભાશાળી બાળકોની સિધ્ધિને બિરદાવી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર, બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તેમજ ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી નગીનભાઈ પટેલે અભિનંદન પાઠવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.