તાપી જિલ્લાના ૭૫ અમૃત સરોવરો પૈકી એક એવા તોરંદા ગામ ખાતેના અમૃત સરોવરની મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

Contact News Publisher

મુખ્યમંત્રીશ્રીએ તોરંદા ગામના પ્રાકૃતિક ખેતી કરતા વિશ્વાસભાઈ પાડવીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની પણ મુલાકાત લીધી

માહિતી બ્યુરો, તાપી, તા.06: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના અંતરિયાળ અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા સરહદી ગામ ‘તોરંદા’ની મુલાકાત લઈ અહીં સુજલામ સુફલામ યોજના હેઠળ નિર્માણ પામેલા અમૃત્ત સરોવરને નિહાળ્યું હતું.

અમૃત્ત સરોવર સ્થળે પહોંચીને તેમણે ગ્રામજનો, અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો, અને અમૃત્ત સરોવરના નિર્માણના પ્રારંભથી હાલ ચોમાસામાં સંગ્રહિત થયેલા પાણી વિષે વિગતો જાણી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ ગામના પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત શ્રી વિશ્વાસભાઈ મગનભાઈ પાડવીના પ્રાકૃતિક કૃષિ ફાર્મની પણ મુલાકાત લઈને ખેડૂત પાસેથી પ્રાકૃતિક ખેતીના તેમના અનુભવો સાંભળ્યા હતા. વિશ્વાસભાઈએ બીજામૃત, જીવામૃત, નિમાસ્ત્ર અને દશપર્ણી અર્ક બનાવવાની પદ્ધતિ અને તેના ફાયદાઓથી મુખ્યમંત્રીશ્રીને માહિતગાર કર્યા હતા.

ઝેરમુક્ત ખેતી પસંદ કરી અન્ય ખેડૂતોને પ્રેરિત કરવા બદલ મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસભાઈને અભિનંદન પાઠવ્યા હતા.

તોરંદા અમૃત સરોવર

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે તાપી જિલ્લાના 75 અમૃત સરોવરો પૈકી એક એવા તોરંદા ગામ ખાતેના અમૃત સરોવરની મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન થકી સમગ્ર દેશમાં, જિલ્લાઓ દિઠ ઓછામાં ઓછા ૭૫ અમૃત સરોવરના નિર્માણની પહેલ આઝાદી ના અમૃત મહોત્સવને અનુલક્ષીને આદરવામાં આવી હતી. જેના પગલે સમગ્ર દેશમાં ૫૦ હજારથી વધુ અમૃત સરોવરોનું નિર્માણ થઇ રહ્યું છે. દેશમાં નામના પ્રાપ્ત કરેલ અમૃત સરોવર પ્રોજેક્ટ તાપી જિલ્લામાં પણ પ્રસંશાને પાત્ર છે.

સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ડી.આર.પટેલે મુખ્યમંત્રીશ્રીને અમૃત સરોવર અંગે જાણકારી આપી હતી. જે મુજબ તોરંદા અમૃત સરોવરનો વિસ્તાર ૧.૧૦ એકર છે. જેના થકી ૧૫ હેકટર જમીનને પ્રત્યક્ષ રીતે સિંચાઈનો લાભ મળશે. આ તળાવ ૨૫૦ મીટર ઉંડાઇ તથા ૭.૧૯ મિલિયન ઘન ફુટ સંગ્રહ ક્ષમતા ધરાવે છે.

આ ગામના ખેડૂતો ખેતી માટે આ તળાવના પાણી પર નિર્ભર છે. આ તળાવના નિર્માણ થકી આસપાસના કુવા, બોરવેલના પાણીના તળમાં વધારો થયો છે. તથા લાભાન્વિત ખેડુતોને લીલા શાકભાજી, કઠોળ, અને પશુઓને માટે ઘાસચારો જેવા પાકોના ઉત્પાદનમાં વધારો થયો છે.

તાપી જિલ્લા ખાતે તૈયાર કરવામાં આવેલા ૭૫ અમૃત સરોવરના કામમાં પાળા મજબૂતીકરણ, પાળા સાફ-સફાઈ, પેચિંગ કામગીરી તથા ખોદાણની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે તળાવના પાળે પેપર બ્લોક મૂકવામાં આવ્યા છે. ગ્રામજનો તળાવનો આનંદ માણી શકે તે માટે બગીચા સહિત વિવિધ સુશોભનો, અમુક સરોવરો ખાતે ગ્રામજનોના સહયોગથી સોલાર લાઈટ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સાથે આસપાસ સ્વચ્છતા માટે ડસ્ટબીન અને વૃક્ષારોપણની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

તાપી જિલ્લા માટે આ અમૃત સરોવરો જન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે એમ તેમણે પૂરક વિગતો આપતા ઉમેર્યું હતું.
000000

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other